પુણેઃ મહારાષ્ટ્ર રાજ્યના પ્રશાસકીય મુખ્યાલય ‘મંત્રાલય’ બિલ્ડિંગને બોમ્બ વડે ફૂંકી મારવાની અનેક ધમકીઓ આપનાર એક શખ્સને પોલીસે પુણેમાંથી પકડ્યો છે. તે માણસે ઈમેલ મારફત ધમકીઓ આપી હતી. ‘મંત્રાલય’ બિલ્ડિંગ દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તારમાં આવેલું છે અને તેમાં રાજ્ય સરકારના જુદા જુદા મંત્રાલયો-વિભાગોના કાર્યાલયો છે.
મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, ત્રણ સપ્તાહ પહેલાં, ‘મંત્રાલય’ને ફૂંકી મારવાની ઈમેલ પર ધમકી મળી હતી. તેમજ મુંબઈ પોલીસને ફોન પર ધમકી અપાઈ હતી. એને કારણે ખળભળાટ મચી ગયો હતો. મુંબઈ પોલીસે અને આતંકવાદી-વિરોધી દળ (ATS) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. મંત્રાલયમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી અને સુરક્ષા વધારી પણ દેવામાં આવી હતી. પરંતુ બાદમાં માલૂમ પડ્યું હતું કે ધમકીઓ પોકળ અને નકલી છે. એટલે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો હતો અને આરોપીની શોધ શરૂ કરી હતી. આખરે આરોપીને પુણેમાં અટકમાં લેવામાં આવ્યો હતો. એ 45 વર્ષનો છે અને એનું નામ શૈલેષ શિંદે છે. એ બેરોજગાર છે. પોતાના દીકરાને સ્કૂલમાં એડમિશન મળતું ન હોવાથી ગુસ્સામાં આવીને શૈલેષે મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયને ધમકીભર્યો ઈમેલ કર્યો હતો. એને મુંબઈ પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો છે.