બાન્દ્રામાં મજૂરોના એકત્ર થવાની ઘટના: શખ્સ 21 એપ્રિલ સુધી કસ્ટડીમાં

મુંબઈઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે લોકડાઉન સ્થિતિ છે ત્યારે ગઈ કાલે બાન્દ્રા (વેસ્ટ) રેલવે સ્ટેશનની બહાર હજારો સ્થળાંતરિત કામદારો એકત્ર થયા બાદ મુંબઈ પોલીસે જેની ધરપકડ કરી હતી તે બની બેઠેલા કામદાર નેતાને 21 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

(ડાબે) બાન્દ્રાના પોલીસ અધિકારી અભિષેક ત્રિમુખે, (જમણે) આરોપી વિનય દુબે

આ માણસનું નામ છે, વિનય દુબે. એ નવી મુંબઈના ઐરોલી ઉપનગરનો રહેવાસી છે.

એણે એવી ધમકી આપી હતી કે સરકાર જો માઈગ્રન્ટ કામદારોને એમના વતન મોકલવાની વ્યવસ્થા નહીં કરે તો 18 એપ્રિલે કુર્લા ઉપનગરમાં મજૂરો વિરોધ-દેખાવો કરશે.

ગઈ કાલે કેન્દ્ર સરકાર ઘોષિત 21-દિવસના લોકડાઉનનો છેલ્લો દિવસ હતો. અન્ય રાજ્યોમાંથી મુંબઈમાં રોજગાર માટે આવેલા સેંકડો કામદારો-મજૂરો એમના વતન શહેરો અને ગામડાઓમાં જવા માટે બાન્દ્રા રેલવે સ્ટેશનની બહાર એકત્ર થયા હતા. દેશવ્યાપી લોકડાઉનને તો 3 મે સુધી લંબાવવાની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સવારે 10 વાગ્યાના એમના દેશવ્યાપી સંબોધનમાં જ કરી દીધી હતી તે છતાં બપોરે માઈગ્રન્ટ કામદારો બાન્દ્રા સ્ટેશનની બહાર એકત્ર થવા માંડ્યા હતા. આનું કારણ એ હતું કે એક એવી અફવા ફેલાવવામાં આવી હતી કે પરપ્રાંતિય કામદારો-મજૂરો એમના વતન જઈ શકે એટલા માટે રેલવે તંત્ર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું છે. આટલા બધા લોકોને એકત્ર થયેલા જોઈને પહેરો ભરી રહેલા પોલીસો પણ અચંબામાં પડી ગયા હતા.

પોલીસે ઓર્ડર મળતાં જ લાઠીમાર કરીને એકત્ર થયેલા લોકોને ભગાડી દીધા હતા.

ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારે આ મામલે તપાસનો આદેશ આપ્યો હતો અને મુંબઈ પોલીસે વિનય દુબેની નવી મુંબઈમાંથી ધરપકડ કરી હતી. એને બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં હાજર કરવામાં આવ્યો હતો. એની સામે ભારતીય ફોજદારી કાયદાની કલમો – 117, 153-એ, 188, 269, 270, 505(2) અને એપીડેમિક ડિસીસીઝ એક્ટની કલમ 3 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

દુબેએ તેના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર વિડિયો પોસ્ટ કર્યા હતા જેમાં એણે પોતાને મુંબઈમાં કામદાર નેતા તરીકે ઓળખાવ્યો હતો. એણે સરકારને ખુલ્લેઆમ ધમકી આપી હતી અને માઈગ્રન્ટ કામદારોને ભડકાવ્યા હતા કે, ‘તમે ઘરમાં બેઠા રહેશો નહીં, પણ બાન્દ્રા રેલવે સ્ટેશન ખાતે એકત્ર થજો અને ધરણા કરજો.’

દુબેના ફેસબુક પેજ પર સરકારને ધમકી આપતી અનેક પોસ્ટ મૂકવામાં આવી હતી કે જો ઉત્તર ભારતીયોને એમના વતન મોકલવામાં નહીં આવે તો વિરોધ કરવામાં આવશે.

દુબેનો પરિવાર ઉત્તર પ્રદેશના ભદોઈ ગામનો વતની છે. દુબે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટી સાથે સંકળાયેલો છે.

વિનય દુબે

ગઈ કાલે માઈગ્રન્ટ કામદારોના એકત્ર થવાની ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મજૂરોને ખાતરી આપી હતી કે આ રાજ્યમાં એમની પૂરતી કાળજી લેવામાં આવશે અને લોકડાઉન દરમિયાન તેઓ જ્યાં છે ત્યાં જ રહે.

ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે, ‘દેશના જુદા જુદા રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં આશરે 5.5થી છ લાખ જેટલા મજૂરો કામ કરવા આવ્યા છે અને એમને સવારનો નાસ્તો અને બે ટાઈમ ભોજન તેમજ તબીબી સહાય પૂરાં પાડવામાં આવે છે. આટલા બધાં પગલાં લેવાયા છે તે છતાં તેઓ થોડાક મુંઝાઈ ગયા છે. મારી એમને અપીલ છે કે અમારા રાજ્યમાં તમે એકદમ સુરક્ષિત છો અને અમે તમારી કાળજી લઈશું. મહેરબાની કરીને ગભરાવ નહીં.’

દેશમાં કોરોનાગ્રસ્તોની સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રમાં છે – 2,684. આ રાજ્યમાં અત્યાર સુધીમાં 178 જણના મરણ થયા છે. એકલા મુંબઈમાં જ 112 જણના મરણ થયા છે.