મુંબઈઃ મહારાષ્ટ્રમાં ક્ષય રોગ (ટીબી)નાં દર્દીઓને શોધી કાઢવા અને એમને તાબડતોબ સારવાર હેઠળ મૂકવા માટે ખાનગી ડોક્ટરો સાથે મળીને કામ કરે એ માટે 45 બિન-સરકારી સંસ્થાઓ (NGOs)ની મદદ લેશે. આ એનજીઓને ‘દર્દી-પ્રદાતા સહાયક એજન્સીઓ’ તરીકે ઓળખવામાં આવશે.
સત્તાવાળાઓને એવું માલૂમ પડ્યું છે કે રાજ્ય સરકારની અને સિવિલ હોસ્પિટલોમાં જઈને સારવાર લેનાર દર્દીઓની સરખામણીમાં ઘણા દર્દીઓ ખાનગી ડોક્ટરો કે હોસ્પિટલોમાં સારવાર લેતા નથી. તેથી એવા દર્દીઓને શોધી કાઢી એમને છ મહિના સુધી સારવાર હેઠળ મૂકવાનું સત્તાવાળાઓએ નક્કી કર્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ આ માટે ખાનગી હોસ્પિટલોમાં કેન્દ્રો શરૂ કર્યા છે. જોકે ખાનગી હોસ્પિટલો આવા કેન્દ્રો શરૂ કરવા તૈયાર થાય એ માટે એમના માલિકો, સંચાલકો સાથે બેઠકો યોજવામાં આવી રહી છે.