મુંબઈઃ મહારાષ્ટ્રમાં આગામી વરસાદી મોસમ માટે જરૂરી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો તથા છત્રી, પ્લાસ્ટિક શીટ્સ, તાલપત્રી કે રેનકોટ જેવી ચીજો વેચતી કે રીપેર કરતી દુકાનોને કોરોનાવાઈરસ લોકડાઉન નિયંત્રણોમાં પણ કામકાજ ચાલુ રાખવા દેવાની પરવાનગી આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે.
જોકે આ કારખાના-એકમો તથા દુકાનદારોને એમ પણ જણાવી દેવામાં આવ્યું છે કે તેમણે કોવિડ સંબંધિત નિયમોનું પાલન કરવું નહીં તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સત્તાવાળાઓ એમને વ્યક્તિ કે દુકાન કે કારખાના દીઠ રૂ. 10,000નો દંડ ફટકારશે. વળી, એમને હાલ અમલમાં રહેલું આંશિક લોકડાઉન સમાપ્ત થાય ત્યાં સુધી કામકાજ બંધ રાખવાનું પણ કહેવામાં આવી શકે છે. રાજ્ય સરકારે ઉત્પાદકો તથા દુકાનદારોએ કરેલી વિનંતીને ધ્યાનમાં લઈને હાર્ડવેર દુકાનો માટેના નિયમોમાં છૂટછાટ મૂકી છે.