મહારાષ્ટ્ર બજેટઃ રાજ્યમાં સીએનજી સસ્તો થશે

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન તથા આયોજન પ્રધાન અજિત પવારે વર્ષ 2022-23 માટે રાજ્યનું અંદાજપત્ર આજે રાજ્ય વિધાનસભામાં રજૂ કર્યું હતું. આ બજેટમાં રૂ. 24,343 કરોડની મહેસુલી ખાધ દર્શાવવામાં આવી છે. પવારે બજેટમાં પર્યાવરણ માટેના અનુકૂળ ઈંધણ – કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)ને સસ્તો કરવાની જાહેરાત કરી છે. સીએનજી પરનો વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ) સાડા દસ ટકા ઘટાડી દેવાયો છે. હાલ તે 13.5 ટકા છે, તે હવે 3 ટકા કરી દેવાયો છે. સીએનજી પરનો વેરો ઘટી જવાથી પીએનજી પણ સસ્તો થશે.

પવારે રૂ. 1,15,215 કરોડના યોજનાખર્ચ સાથે પંચસૂત્રી વિકાસ (પાંચ-મુદ્દાના વિકાસ) કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ પંચસૂત્રી છેઃ આરોગ્ય, કૃષિ, માનવસંસાધન, ટ્રાન્સપોર્ટ અને ઉદ્યોગ. આ કાર્યક્રમ માટે આવતા ત્રણ વર્ષમાં રૂ. 4 લાખ કરોડની ફાળવણી કરવામાં આવશે. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે મહારાષ્ટ્રને 1-ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનો ઉદ્દેશ્ય પંચસૂત્રી વિકાસ કાર્યક્રમને લીધે પરિપૂર્ણ થશે.

  • આરોગ્ય સેવાના ક્ષેત્રમાં આવતા 3 વર્ષમાં સમગ્ર મહારાષ્ટ્રમાં રૂ. 11,000 કરોડનો ખર્ચ કરવાનો રાજ્ય સરકારે સંકલ્પ કર્યો છે. દરેક જિલ્લા હોસ્પિટલોમાં ટેલિમેડિસીન કેન્દ્રો ઊભા કરાશે.
  • મહારાષ્ટ્રમાં આયાત કરાનાર સોના-ચાંદીના ડિલિવરી ઓર્ડર દસ્તાવેજોને સ્ટેમ્પ ડ્યૂટીમાંથી માફી આપવામાં આવી છે. હાલ આ ડ્યૂટી 0.1 ટકો હતી.
  • પવારે જીએસટી માટે માફી યોજના-2022ની પણ બજેટમાં જાહેરાત કરી છે. આ યોજના 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર,2022 સુધી લાગુ રહેશે. આ યોજનાનો લાભ લેનાર ટેક્સ એરિઅર્સ, વ્યાજ, પેનલ્ટી કે લેટ ફી ચૂકવણીમાં સેટલમેન્ટ કરાવી શકાશે. પ્રતિ વર્ષ રૂ. 10,000 કે તેથી ઓછી રકમના CSSમાં એરિયર્સમાં સંપૂર્ણ માફી મળશે. આનો લાભ આશરે લાખો નાના વેપારીઓને મળશે.