મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાંપ્રધાન અજિત પવારે આજે અહીં રાજ્ય વિધાનસભામાં મહાવિકાસ આઘાડી સરકારનું બજેટ રજૂ કર્યું હતું. વર્ષ 2021-22 માટેના આ બજેટમાં નાગરિકો માટે અનેક રાહતભરી જાહેરાતો કરવામાં આવી છે.
શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટીઓની સંયુક્ત સરકારનું આ બીજું બજેટ છે અને આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ધ્યાનમાં લઈને જાહેરાત કરી છે કે રાજ્યમાં ગ્રામિણ વિસ્તારોમાં વિદ્યાર્થિનીઓને સરકારી બસોમાં મફત પ્રવાસ કરવા મળશે. ગ્રામિણ વિસ્તારોમાં આર્થિક રીતે પરવડી શકે એવા પરિવહનના સાધનો ન મળવાથી અને સલામતીનો ભય હોવાથી ઘણી છોકરીઓ ભણવાનું અડધેથી છોડી દેતી હોય છે તેથી એવી વિદ્યાર્થિનીઓ અને એમનાં પરિવાર માટે આ રાહતભર્યા સમાચાર છે.
રાજ્યના અંદાજપત્રની હાઈલાઈટ્સઃ
- મુંબઈ શહેરમાં ગટરવ્યવસ્થા માટે રૂ. 19,500 કરોડની ફાળવણી કરાઈ.
- રાજ્યમાં પર્યટન વિકાસ માટે ટૂરિઝમ વિભાગ માટે રૂ. 1,367 કરોડની ફાળવણી.
- રાયગડમાં બલ્ક ડ્રગ પાર્ક શરૂ કરાશે, ઔરંગાબાદમાં મેડિકલ એપ્લાયન્સીસ પાર્ક શરૂ કરાશે
- વસઈ (પાલઘર જિલ્લો)થી કલ્યાણ (થાણે જિલ્લો) સુધી ટૂંક સમયમાં વોટર ટ્રાન્સપોર્ટ સેવા શરૂ કરાશે.
- મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂરો કરવામાં આવશે
- બાલ ઠાકરે સ્મારક માટે રૂ. 400 કરોડની ફાળવણી
- ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ માટે રૂ. 1,391 કરોડની ફાળવણી
- રાજ્યમાં રાજીવ ગાંધી સાયન્સ અને ટેક્નોલોજી પાર્ક્સ શરૂ કરાશે
- ખેડૂતોને તેમની ખેત-લોન વગર વ્યાજે ચૂકવવાની પરવાનગી અપાઈ
- એગ્રીકલ્ચરલ પ્રોડ્યૂસ માર્કેટ કમિટી (એપીએમસી)ના તંત્રને મજબૂત બનાવવા માટે રૂ. 2000 કરોડની ફાળવણી
- રાજ્યમાં હેલ્થકેર માળખાકીય સવલતોને અપગ્રેડ કરવા માટે રૂ. 7,500 કરોડની ફાળવણી
- રાજમાતા જિજાઉ ગૃહસ્વામિની યોજના અંતર્ગત 1 એપ્રિલ, 2021થી ઘરની ખરીદી-રજિસ્ટ્રેશન તે ઘરની મહિલાનાં નામે કરાશે તો સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવણીમાં 1 ટકાની રાહત આપવામાં આવશે
- મોટા શહેરોમાં મહિલાઓની સુરક્ષા માટે તેજસ્વિની યોજના અંતર્ગત વધારે બસો ઉપલબ્ધ કરાશે
- ગ્રામિણ તાલુકાઓની વિદ્યાર્થિનીઓને એમનાં ગામમાંથી શાળા સુધી જવા માટે મફત બસપ્રવાસની જાહેરાત.
- પર્યાવરણપૂરક એવી દોઢ હજાર સીએનજી અને હાઈબ્રિડ બસો ઉપલબ્ધ કરાશે
- જનતાને ઉત્તમ દરજ્જાની આરોગ્ય સેવા પૂરી પાડવા રૂ. 7,500 કરોડની યોજના ચાર વર્ષમાં પૂરી કરાશે.