થાણે શહેરના કોવિડ-હોટસ્પોટ વિસ્તારોમાં 31-માર્ચ સુધી લોકડાઉન

મુંબઈઃ પડોશના થાણે જિલ્લા શહેરમાં કોરોના વાઈરસ બીમારીના કેસ ફરી ખૂબ વધી જતાં થાણે મહાનગરપાલિકાએ કોવિડ હોટસ્પોટ વિસ્તારોમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવાની ઘોષણા કરી છે. મહાનગરપાલિકાએ શહેરમાં 16 હોટસ્પોટ વિસ્તારોને ઓળખી કાઢ્યા છે. હોટસ્પોટ વિસ્તારોની બહારના ભાગોમાં પ્રવૃત્તિઓ મહારાષ્ટ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી ‘મિશન અગેન’ ઝુંબેશ અંતર્ગત રાબેતા મુજબ ચલાવવા દેવામાં આવશે, પરંતુ હોટસ્પોટ વિસ્તારોની અંદર આજથી 31 માર્ચ સુધી લોકડાઉન અમલમાં રહેશે.

છેલ્લા અમુક દિવસોમાં હોટસ્પોટ વિસ્તારોમાં કોરોનાના કેસ વધી જતાં થાણેના મ્યુનિસિપલ કમિશનર વિપીન શર્માએ લોકડાઉન લાગુ કરવાનો આદેશ આપ્યો છે. ગઈ કાલે સોમવારે સવાર સુધીમાં, થાણે જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા 2,69,845 હતી અને આ રોગને કારણે થયેલા મૃત્યુનો આંક 6,302નો નોંધાયો છે.