મુંબઈઃ મહાદેવ એપ બેટિંગ (સટ્ટાખોરી) કેસ સાથે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ મુસ્તકિમ તથા કેટલાક બિલ્ડરોના કથિત સંપર્કની તપાસ કરાવવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવાનો મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો છે.
આજે રાજ્ય વિધાનસભામાં ભાજપના સભ્ય આશિષ શેલારે રજૂ કરેલા ધ્યાનાકર્ષક પ્રસ્તાવના જવાબમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ મામલે વિસ્તૃતપણે તપાસ કરાવવામાં આવશે. શેલારે એવો આક્ષેપ કર્યો છે કે ગઈ 7 નવેમ્બરે નોંધવામાં આવેલી એફઆઈઆર અનુસાર મહાદેવ એપએ અનેક નાની બેન્કો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરી હતી. 28 ટકા જીએસટી ટેક્સ પણ ચૂકવવામાં આવ્યો નહોતો. મોબાઈલ એપના એક ભાગીદાર અમિત શર્મા અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ મુસ્તકિમનો બિઝનેસ સહયોગી છે અને બંને પર આરોપ છે કે એમણે વિજય જૈનની એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કંપની જે.પી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફ નાણાં વાળી દીધા છે. અમિત શર્મા અને જૈન મુંબઈના ગોરેગાંવ (ઈસ્ટ)ના દિંડોશી વિસ્તારમાં એક બિઝનેસ પ્રોજેક્ટમાં ભાગીદાર છે.
ફડણવીસે કહ્યું કે, મહાદેવ એપ વેનેઝુએલા દેશમાં રજિસ્ટર થયેલી છે. કેન્દ્ર સરકારે પણ આ બેટિંગ એપની છેતરપિંડીઓ વિરુદ્ધ તપાસ આદરી છે. હવે રાજ્ય સરકાર પણ કરશે.