સોશિયલ સ્ટોક એકસચેંજીસ પર પ્રથમ NGO ઉન્નતિ ફાઉન્ડેશનનું લિસ્ટિંગ

મુંબઈઃ દેશમાં સૌપ્રથમ વાર એક અતિ નોખી ઐતિહાસિક ઘટના આકાર લઈ રહી છે, જેની લાંબા સમયથી ચર્ચા સાથે રાહ જોવાતી હતી એ સોશિયલ સ્ટોક એકસચેંજ કાર્યરત થવા સાથે તેના પર પ્રથમ નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન સ્વરૂપે SGBS ઉન્નતિ ફાઉન્ડેશનનું ૧૩ ડિસેમ્બરે લિસ્ટિંગ થઈ રહ્યું છે.

આ ફાઉન્ડેશન BSE અને NSE બંનેના સોશ્યલ સ્ટોક એકસચેંજ સેગમેન્ટ પર લિસ્ટેડ થશે. આ NGOનો પ્લાન માર્કેટમાંથી રૂ. બે કરોડ ઊભા કરવાનો હતો, જેનું લક્ષ્ય સરકારી કોલેજીસના ૧૦,૦૦૦ ગ્રેજ્યુએટસ (ફાઇનલ વરસના) ને UNXT પ્રોગ્રેમ હેઠળ નોકરી મેળવવામાં સહાય કરવાનું છે. આ કોલેજો વિવિધ રાજયોની હશે. જોકે ઉન્નતિને રૂ.૧.૮૦ કરોડનું ભંડોળ પ્રાપ્ત થયું છે, જેનાથી તેને સંતોષ હોવાનું તેના ટ્રસ્ટી રમેશ સ્વામી જણાવે છે. હવે પછી આ NGOના લિસ્ટેડ યુનિટસમાં સ્ટોક એક્સચેન્જ મારફત રોકાણ થઈ શકશે.

એકસચેંજ અધિકારીઓના કહેવાનુસાર આને પગલે વધુ NGO આગળ આવશે અને સ્ટોક એકસચેંજીસ સામાજિક સેવાના સ્તરે મોટી અસર ઊભી કરશે. એકસચેંજ અધિકારીઓના કહેવાનુસાર આને પગલે વધુ NGO આગળ આવશે અને સ્ટોક એકસચેંજીસ સામાજિક સેવાના સ્તરે મોટી અસર કરશે. બેંગલુરુ સ્થિત ઉન્નતિ ફાઉન્ડેશને ૨૦૦૩થી ૨૦૦૮ દરમ્યાન ૩૨૦ યુવાનોને તાલીમ આપી હતી અને અત્યાર સુધીમાં ૪૫,૦૦૦ યુવાનોને તાલીમ આપી છે, જેમાંથી ૩૫,૦૦૦ને પ્લેસમેન્ટ પ્રાપ્ત થયું છે. ઉન્નતિનું સૂત્ર છે, લર્ન, અર્ન એન્ડ સ્ટેન્ડ ટોલ.

ઉન્નતિને જાણીતા બ્રોકિંગ પ્લેટફોર્મ ઝેરોધા તરફથી રૂ. એક કરોડનું, નાબાર્ડ તરફથી રૂ. ૩૦ લાખ, ગોવિંદ ઐયર તરફથી રૂ.૨૦ લાખ અને આશિષ કચોલિયા તરફથી રૂ.૩૦ લાખ પ્રાપ્ત થયા છે.