કિરીટ સોમૈયાની મહાપાલિકા તંત્રને ફરિયાદ; હુક્કા પાર્લરોમાં ડ્રગ્સ વેચાય છે

મુંબઈ – ભારતીય જનતા પાર્ટીના અત્રેના ઈશાન મુંબઈ મતવિસ્તારના સંસદસભ્ય કિરીટ સોમૈયાએ મહાનગરપાલિકાને લેખિતમાં ફરિયાદ કરી છે કે એમના મતવિસ્તારના મુલુંડ ઉપનગરમાં કેટલાક હુક્કા પાર્લરોમાં કેફી દ્રવ્યો સર્વ કરવામાં આવે છે.

બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના સહાયક કમિશનરને લખેલા પત્રમાં સોમૈયાએ કહ્યું છે કે એમને એવી ઘણી ફરિયાદો મળી છે કે મુલુંડ વિસ્તારમાં ત્રણ હુક્કા પાર્લરોમાં સાઈકોએક્ટિવ ડ્રગ્સ સર્વ કરવામાં આવે છે.

સોમૈયાએ પત્રમાં એમ પણ જણાવ્યું છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ સામે કડક નીતિ હોવી જોઈએ અને કડક પગલાં લેવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ગઈ 29 ડિસેમ્બરે મધ્ય મુંબઈના લોઅર પરેલના કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં ત્રણ ગેરકાયદેસર રેસ્ટોરન્ટ-પબ્સમાં આગ લાગતાં 11 મહિલાઓ સહિત 14 જણ માર્યા ગયા હતા. એ ત્રણેય રેસ્ટોરન્ટ-પબ્સમાં સુરક્ષાને લગતા નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું, પરિણામે કરુણાંતિકા સર્જાઈ હતી. આગની એ ઘટનાને પગલે મહાનગરપાલિકાએ તે કમ્પાઉન્ડ ઉપરાંત રઘુવંશી મિલ્સ કમ્પાઉન્ડ તથા ફિનિક્સ મોલમાં આવેલી કુલ 314 ગેરકાયદેસર રેસ્ટોરન્ટ્સ તથા પબ્સને તોડી પાડી છે.

કમલા મિલ્સ કમ્પાઉન્ડની ઘટનામાં, 1-Above નામની રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી અને તે બાજુની અન્ય બે રેસ્ટોરન્ટ-પબ મોજોઝ બિસ્ટ્રો તથા લંડન ટેક્સીમાં પણ ફેલાઈ હતી. આ ત્રણેય રેસ્ટોરન્ટ બળીને રાખ થઈ ગઈ છે. મૃતક સ્ત્રીઓ 1-Above રેસ્ટોરન્ટમાં એમની સહેલી ખૂશ્બૂ મહેતાની બર્થડે પાર્ટીનો આનંદ માણી રહી હતી ત્યારે આગ ફાટી નીકળી હતી. કમનસીબે, એમનો બહાર નીકળવાનો રસ્તો બ્લોક થઈ ગયો હતો અને આગથી બચવા તેઓ તથા અન્ય ત્રણ પુરુષો ગભરાઈને રેસ્ટોરન્ટના શૌચાલયમાં ઘૂસી ગયાં હતાં, પણ ત્યાં ધૂમાડો ભરાઈ જવાથી શ્વાસ રુંધાઈ જવાથી 14 જણ કરૂણ રીતે મૃત્યુ પામ્યાં હતાં.

એવો આક્ષેપ કરવાં આવ્યો છે કે 1-Above રેસ્ટોરન્ટમાં એક બારટેન્ડરે હુક્કા માટે વપરાતા કોલસાને સળગાવીને આગ લગાડવાનું એક સ્ટન્ટ કર્યું હતું અને એમાંથી શોર્ટ સર્કિટ પણ થતાં ભયાનક આગ ફાટી નીકળી હતી.