મુંબઈમાં સંપૂર્ણ રહ્યો બંધ: મહારાષ્ટ્રમાં બંધ દરમિયાન છૂટીછવાઈ હિંસાની ઘટના

મુંબઈ – કેટલાક દલિત સંગઠનોએ કરેલા ‘મહારાષ્ટ્ર બંધ’ના એલાનને પગલે આજે રાજ્યમાં અનેક ઠેકાણે હિંસા, રસ્તા રોકો, રેલ-રોકો, પથ્થરમારા, વિરોધ મોરચા કાઢવાના છૂટાછવાયા બનાવો બન્યા છે. રાજ્યભરમાં સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે બંધ પાળવામાં આવી રહ્યો છે. મુંબઈમાં બહુજન (દલિત) લોકોએ સજ્જડ બંધ પળાવ્યો છે.

મુંબઈમાં બંધ પળાવવાની શરૂઆત સવારે થાણે સ્ટેશને તેમજ પાલઘર જિલ્લાના વિરાર સ્ટેશનેથી થઈ હતી. ત્યારબાદ મુંબઈમાં પણ રસ્તા રોકો અને રેલ રોકો આંદોલનો શરૂ થયા હતા.

દલિત કાર્યકર્તાઓ નારા લગાવતા અને ઝંડાઓ ફરકાવતા રેલવેના પાટા પર બેસી જતાં મધ્ય રેલવે તથા પશ્ચિમ રેલવે વિભાગો પર લોકલ ટ્રેન સેવા અટકી ગઈ હતી. બાદમાં પોલીસ જવાનોએ એમને ત્યાંથી હાંકી કાઢ્યા હતા અને ટ્રેન સેવા અડધા-પોણા કલાકના વિલંબ બાદ ફરી શરૂ કરી શકાઈ હતી.

આજે સવારથી આ મહાનગર તથા પડોશના થાણે શહેરમાં દલિત આંદોલનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. થાણેમાં આંદોલનકારીઓએ મુંબઈ જતી ટ્રેનો અટકાવી હતી.

મુંબઈના લગભગ તમામ ઉપનગરોમાં રસ્તાઓ પર ઓછા વાહનો ફરતા દેખાયા હતા.

મુંબઈમાં પણ બસોને અટકાવવામાં આવી છે અને રેલ-રોકો આંદોલન કરવામાં આવ્યું છે. બેસ્ટ વહીવટીતંત્રે અનેક વિસ્તારોમાં તેની બસ સેવા સસ્પેન્ડ કરી દીધી છે.

પુણે જિલ્લાના ભીમા કોરેગાંવ ગામમાં દલિતો અને મરાઠા લોકો વચ્ચે થયેલી અથડામણ અને એમાં એક મરાઠા યુવકના નિપજેલા મરણને પગલે દલિતો રોષે ભરાયા છે અને ગઈ કાલે તેઓ મુંબઈમાં હિંસા પર ઉતરી આવ્યા હતા. ભારિપ બહુજન મહાસંઘના પ્રકાશ આંબેડકરે આજે ‘મહારાષ્ટ્ર બંધ’નું એલાન કર્યું છે. અઢીસોથી વધારે દલિત જૂથો, ડાબેરી પક્ષો તથા પક્ષોએ આજના બંધને ટેકો જાહેર કર્યો છે.

મુંબઈમાં, સ્કૂલ બસચાલકોના સંગઠને સલામતીને ખાતર સ્કૂલ બસો ન દોડાવવાનું નક્કી કર્યું છે. મહારાષ્ટ્ર સરકાર કે મુંબઈ મહાનગરપાલિકાએ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી નથી, પરંતુ મોટા ભાગનાં માતા-પિતા, વાલીઓએ એમનાં બાળકોને શાળાએ મોકલવાનું ટાળ્યું હતું.

સ્કૂલ બસમાલિકોના નિર્ણયને પગલે આજે મુંબઈમાં 40 હજારમાંથી એકેય સ્કૂલ બસ રસ્તા પર ઉતારવામાં આવી નથી. મુંબઈમાં અત્યાર સુધીમાં બેસ્ટની 15 બસમાં તોડફોડ કરી તેને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. ઉપરાંત પ્રદર્શનકારીઓ જબરજસ્તીથી દુકાનો બંધ કરાવી રહ્યા છે. મુંબઈમાં પ્રખ્યાત ડબ્બાવાળાઓએ પણ આજે પોતાની સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમણો પોતાના ગ્રાહકોને જાતે ટિફીન લઈ જવા જણાવ્યું છે.

મહારાષ્ટ્રના પોલીસ વડા સતીષ માથુરે જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર બંધને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં સલામતીનો અત્યંત કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, ચોક્કસ વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવશે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]