મુંબઈ અગ્નિકાંડ: પોલીસે જારી કરી લુક આઉટ નોટિસ, BMCનું કડક વલણ

મુંબઈ- દેશની આર્થિક રાજધાની મુંબઈના કમલા મિલ કમ્પાઉન્ડમાં આવેલા પબમાં બર્થ ડે પાર્ટી દરમિયાન સર્જાયેલાં અગ્નિકાંડમાં 14 લોકોના મોત થયાં હતાં અને આશરે 50થી વધુ લોકો ઘાયલ થયાં હતાં. આ ઘટનાને લઈને હવે એક પછી એક ચોંકાવનારી વાતો સામે આવી રહી છે.

પબ ચલાવનાર હિતેશ સંઘવી, જીગર સંઘવી અને અભિજીત માનકાની મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. તેની સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. આગની દુર્ઘટના બાદ આ તમામ લોકો ફરાર છે. પોલીસે તેને પકડવા માટે 5 સદસ્યોની ટીમ બનાવી કીર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ BMCએ આગની ઘટના બાદ કાર્યવાહી કરી છે અને કમલા મિલ કમ્પાઉન્ડ પાસેના અનેક રેસ્ટોરન્ટ અને પબના ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ચલાવી તેને તોડી પાડવામાં આવ્યા છે.

4 હોટલો પર કરાઈ કાર્યવાહી

આગની ઘટના પછી BMCએ કાર્યવાહી શરુ કરી જેમાં 4 હોટલોના ગેરકાયદે નિર્માણ પર બુલડોઝર ફેરવી તેને તોડી પાડવામાં આવ્યા છે. ટેરેસ પર બનાવવામાં આવેલી દીવાલોને પણ તોડી પાડવામાં આવી છે. આ સિવાય મુંબઈના દરેક રેસ્ટોરન્ટની તપાસ માટે BMCએ 25 ટીમ બનાવી છે. જે ઈમરજન્સીના સમયમાં એક્ઝિટની વ્યવસ્થા, ફૂડ લાઈસન્સ, હુક્કા સર્વિસ સહિતની અન્ય વ્યવસ્થા અંગે તપાસ કરશે.

દિલ્હીમાં પણ તપાસનો દોર શરુ

મુંબઈ અગ્નિકાંડથી બોધપાઠ લઈને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ તપાસ ટીમ સક્રિય બની ગઈ છે. 31 ડિસેમ્બરની પાર્ટી પહેલાં રેસ્ટોરન્ટ અને બારની તપાસ શરુ કરી દેવામાં આવી છે. રવિવારે 31 ડિસેમ્બર હોવાથી તેના અનુસંધાને યોજાનારી પાર્ટીને લઈને અત્યારથી જ સુરક્ષાની પુરતી વ્યવસ્થા અને તપાસ કરવામાં આવી છે. જેથી મુંબઈ જેવી ઘટના થતી અટકાવી શકાય.