મુંબઈના લોઅર પરેલની રેસ્ટોરન્ટમાં ભીષણ આગમાં 14નાં મરણ

મુંબઈ – મધ્ય મુંબઈના લોઅર પરેલ ઉપનગરના કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં આવેલી ચાર-માળની એક ઈમારતની એક રેસ્ટોરન્ટમાં ગઈ મધરાત બાદ ભયાનક આગ લાગતાં અને એ બાજુના બીજા બે બીયર બારમાં પ્રસરતાં ઓછામાં ઓછા 14 જણ માર્યા ગયા છે અને બીજાં 20 જણ ઘાયલ થયાં છે. મૃતકોમાં 11 મહિલા અને ત્રણ પુરુષ છે. મૃતકોમાં અનેક ગુજરાતીઓનો સમાવેશ થાય છે.

ઈજાગ્રસ્તોને નજીકની કેઈએમ અને સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

બીએમસી ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ આગ રાતે 12.30 પછી લાગી હતી. આગ સેનાપતિ બાપટ માર્ગ પર કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં આવેલા કમલા ટ્રેડ હાઉસ મકાનમાં ત્રીજા માળ પર આવેલી 1-Above રેસ્ટોરન્ટમાં લાગી હતી અને બાદમાં ઝડપથી ફેલાઈ હતી અને બાજુમાં આવેલી લંડન ટેક્સી તથા ટેરેસ પર આવેલી મોજોઝ લાઉન્જ નામના અન્ય પબ્સને પણ ભરડો લીધો હતો.

આગ લાગી ત્યારે ડિનર-કમ-પબ્સમાં આશરે 150 જેટલા લોકો હાજર હતાં.

(પબ્સની આગમાં મૃત્યુ પામેલાઓની યાદી)

ઘટનાની જાણ થતાં તરત જ આઠ ફાયર એન્જિન્સ, પાંચ વોટર ટેન્કર્સ, ઈમરજન્સી એમ્બ્યુલન્સ સાથે અગ્નિશામક દળ તથા પોલીસના જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

પાંચ કલાકે છેક વહેલી સવારે આગ કાબુમાં લાવી શકાઈ હતી.

આગની જાણ થતાં મ્યુનિસિપલ કમિશનર અજૉય મહેતાએ 3.30 વાગ્યે જઈને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

આગ લાગી એ ઈમારતમાં રેસ્ટોરન્ટ્સ તથા અન્ય કમર્શિયલ ઓફિસો આવેલી છે.

1-Above રેસ્ટોરન્ટના માલિક સામે પોલીસે એફઆઈઆર નોંધી

જ્યાં ભયાનક આગ શરૂ થઈ હતી તે 1-Above રેસ્ટોરન્ટના માલિક સામે પોલીસે એફઆઈઆર નોંધી છે. આ ફરિયાદ ભારતીય ફોજદારી ધારાની કલમ 304 (સદોષ માનવ વધ ગુનો) હેઠળ નોંધવામાં આવી છે.

પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આગ લેવલ-2ની હતી. આગનું કારણ તત્કાળ જાણી શકાયું નહોતું, પરંતુ ટાઈમ્સ નાઉ ચેનલના જણાવ્યા મુજબ રેસ્ટોરન્ટમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાની શંકા છે.

કમલા મિલ્સ કમ્પાઉન્ડ ઈમારતમાં અનેક પ્રચારમાધ્યમો તથા ટીવી ચેનલોની ઓફિસો આવેલી છે. આગની ઘટના બની ત્યારે ઘણા પત્રકારો એમની ઓફિસોમાં હાજર હતાં. આગ લાગી એ જ બિલ્ડિંગમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપની ટાઈમ્સ નાઉ તથા ‘મિરર નાઉ’ ઉપરાંત ટીવી-9 ચેનલોની ઓફિસ આવેલી છે. આગ લાગ્યા બાદ વીજપૂરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો અને મિડિયાઓફિસોમાં કામકાજ તથા ટીવી ચેનલોનું પ્રસારણ તાત્પુરતું અટકાવી દેવામાં આવ્યું હતું.