પાકિસ્તાન ઠગારો દેશ છે, ભારતની મૌખિક ધમકીઓથી નહીં સુધરેઃ શિવસેના

મુંબઈ – ભારતીય નાગરિક અને ભારતના ભૂતપૂર્વ નેવી ઓફિસર કુલભૂષણ જાધવની પત્ની અને માતા સાથે પાકિસ્તાને કથિતપણે કરેલા અપમાનજનક વર્તાવને શિવસેનાએ આજે સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે આ ઘટનાએ પાકિસ્તાન સરકારના બેવડા વલણને ઉઘાડું પાડી દીધું છે.

‘આપણા દેશને બદનામ કરવાની પાકિસ્તાનને આદત પડી ગઈ છે. આપણે અહીંયા એ લોકોને ભલે ગમે તેટલો સારો આવકાર આપીએ કે વર્તાવ કરીએ, એ લોકો હંમેશાં ભારત વિરુદ્ધ ધિક્કારની લાગણી જ રાખે છે,’ એમ શિવસેનાના મુખપત્ર સામના અખબારે તંત્રી લેખમાં ઉભરો ઠાલવ્યો છે.

શિવસેનાના લેખમાં વધુમાં લખ્યું છે કે, એ લોકોએ જે રીતે કુલભૂષણ જાધવ અને એમના પરિવારજનો વચ્ચેની મુલાકાત ગોઠવી હતી એના પરથી જ વાસ્તવિક્તા જોવા મળી છે. એ લોકો એકબીજાની સામે બેઠાં હતાં, પણ કાચની દિવાલને કારણે એકબીજાને ભેટી શક્યાં નહોતાં.

પાકિસ્તાની સત્તાવાળાઓએ જાધવના પત્ની અને માતા પાસે મંગળસૂત્ર, બંગડીઓ અને કપાળ પરથી ચાંદલા દૂર કરાવ્યા અને એમનો પહેરવેશ પણ બદલાવ્યો હતો એની શિવસેનાએ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે.

‘પરિવારજનોને એમની માતૃભાષા મરાઠીમાં પણ બોલવા દેવામાં આવ્યાં નહોતાં. પાકિસ્તાનમાં મહેમાનોને આવકાર અપાતો નથી અને આ કિસ્સાએ તો એકદમ પુરવાર કરી આપ્યું છે. આ મુલાકાત ગોઠવીને પાકિસ્તાને સ્પષ્ટ કરી દીધું છે કે એ આંતરરાષ્ટ્રીય સ્તરે ઠગારો-ધૂતારો દેશ છે,’ એમ સામનાનાં લેખમાં જણાવાયું છે.

શિવસેનાએ આ વેણ દર્શાવવા ઉપરાંત નરેન્દ્ર મોદી સરકારને એક સલાહ પણ આપી છે, કે એણે કુલભૂષણ જાધવના કેસમાં પાકિસ્તાનને કેવી રીતે ઠીક કરવું જોઈએ.

લેખમાં જણાવ્યું છે કે, ભારતે હવે કડક બનવાની જરૂર છે. માત્ર મૌખિક અને કાગળની ધમકીઓથી કામ પાર નહીં પડે. સખત પગલું લેવાની જરૂર છે તો જ પાકિસ્તાનની સાન ઠેકાણે આવશે.

ઉલ્લેખનીય છે કે, ઈસ્લામાબાદમાં કુલભૂષણને મળ્યાં બાદ એમના પત્ની અને માતા સાથે વિદેશ મંત્રાલયમાં સતામણી કરવામાં આવી હતી.

ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારી કુલભૂષણ જાધવ પર ત્રાસવાદી કૃત્યનો તેમજ જાસૂસી કરવાનો આરોપ મૂકીને પાકિસ્તાનની મિલિટરી કોર્ટે એમને ફાંસીની સજા ફરમાવી છે.

કુલભૂષણ જાધવના પરિવારજનો સાથે પાકિસ્તાનમાં કરવામાં આવેલા ખરાબ વર્તાવ મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર ગુરુવારે સંસદમાં નિવેદન કરે એવી ધારણા છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ લોકસભામાં નિવેદન કરશે.

જાધવ ભારતની ગુપ્તચર એજન્સી રીસર્ચ એન્ડ એનાલિસીસ વિન્ગ (RAW) માટે જાસૂસી કરતા હોવાનો પાકિસ્તાને આરોપ મૂક્યો છે.

પાકિસ્તાનની મિલિટરી કોર્ટે જાધવને ફાંસીની સજા સંભળાવ્યા બાદ તરત જ ભારતે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ફરિયાદ કરી હતી અને તે કોર્ટે તરત જ જાધવની ફાંસીની સજાના અમલને અટકાવી દીધો હતો.