પોતાને ‘Y+’ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવા બદલ કંગનાએ અમિત શાહનો આભાર માન્યો

મુંબઈઃ મહારાષ્ટ્રના અમુક શાસક નેતાઓ સાથે સોશિયલ મિડિયા પર શાબ્દિક યુદ્ધ થયા બાદ બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતને એ જ્યારે મુંબઈ પાછી ફરશે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી ‘Y+’ શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. કંગનાએ ટ્વીટ કરીને આ માટે ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર માન્યો છે.

કંગનાને હાલમાં જ મહારાષ્ટ્રમાં ત્રણમાંની એક શાસક પાર્ટી – શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉત સાથે વાદવિવાદ થયો હતો. કંગના, જે હાલ હિમાચલ પ્રદેશમાં તેના વતન મનાલીમાં રહે છે, એ 9 સપ્ટેમ્બરે મુંબઈ પાછી ફરવા માગે છે. રાઉતે કહ્યું હતું કે તેણે મુંબઈ આવવાની કોઈ જરૂર નથી.

કંગનાએ તેનાં વેરીફાઈડ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે, મને ‘Y-પ્લસ’ શ્રેણીની સુરક્ષા પૂરી પાડવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય એ વાતનું પ્રમાણ છે કે હવે કોઈ પણ દેશભક્તના અવાજને કોઈ ફાસીવાદી કચડી નહીં શકે. હું અમિત શાહજીની આભારી છું. એમણે ઈચ્છ્યું હોત તો હાલના સંજોગોમાં મને અમુક દિવસો પછી મુંબઈ આવવાની સલાહ આપી હોત, પરંતુ એમણે ભારતની બેટીનાં વચનનું માન રાખ્યું, આપણા સ્વાભિમાન અને આત્મસમ્માનની લાજ રાખી. જય હિંદ.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું છે કે કંગના રણૌતને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPFs)ના સ્પેશિયલાઈઝ્ડ સિક્યોરિટી વિભાગ તરફથી ચોવીસ કલાક સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવશે. કંગનાને અર્ધલશ્કરી દળના 10 કમાન્ડો દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કંગનાએ એક ટ્વીટમાં એમ લખ્યું હતું કે એને પોતાનાં રક્ષણ માટે મુંબઈ પોલીસ પર ભરોસો નથી. એના જવાબમાં, સંજય રાઉતે એમ કહ્યું હતું કે જો કંગનાને મુંબઈની પોલીસથી ડર લાગતો હોય તો એણે મુંબઈ પાછા આવવાની જરૂર નથી. એના વળતા જવાબમાં કંગનાએ આને ખુલ્લી ધમકી કહીને મુંબઈની સરખામણી પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર (PoK) સાથે કરી હતી. એને કારણે વિવાદ સર્જાયો છે. મહારાષ્ટ્ર સરકાર અને શિવસેનાના નેતાઓ તરફથી રોષભર્યા પ્રત્યાઘાતો દર્શાવવામાં આવ્યા છે. સંજય રાઉતે કંગનાને માટે ‘હરામખોર’ શબ્દ પણ વાપર્યો હતો. ઘણા નાગરિકોએ માગણી કરી છે કે આવી કમેન્ટ કરવા બદલ કંગના માફી માગે. પરંતુ કંગનાએ એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો છે અને કહ્યું છે કે એને અભિવ્યક્તિની આઝાદી છે.

રેણુકા શહાણે જેવા અમુક ફિલ્મી સિતારાઓએ કંગનાની ટીકા કરી છે તો ગાયક સોનૂ નિગમે કંગનાનો પક્ષ લીધો છે અને અપમાનજનક ‘હરામખોર’ શબ્દ વાપરવા બદલ સંજય રાઉતની સખત ટીકા કરી છે.

રાઉતની પ્રત્યેક ટીકાને કંગનાએ સોશિયલ મિડિયા મારફત જડબાતોડ જવાબ આપ્યો છે.

બોલીવૂડમાં સહ-કલાકાર સુશાંત સિંહ રાજપૂતના મુંબઈમાં તેના નિવાસસ્થાને થયેલા ભેદી મૃત્યુને કંગનાએ એક આયોજિત હત્યા તરીકે ઓળખાવતાં અને બોલીવૂડમાં પ્રવર્તતી ખતરનાક ગંદકીની પોલ ખુલ્લી પાડ્યા બાદ કેસની તપાસ મુંબઈ પોલીસના હાથમાંથી છીનવી લઈને સીબીઆઈને સુપરત કરવામાં આવી છે.

એમાં હવે કંગનાને ‘Y-પ્લસ’ શ્રેણીની સુરક્ષા પૂરી પાડીને કેન્દ્રની ભાજપ સરકારે મહારાષ્ટ્ર સરકારને એક વધુ ફટકો માર્યો છે.