મુંબઈઃ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત બી. કે. શ્રોફ કૉલેજ ઑફ આર્ટ્સ ઍન્ડ એમ. એચ. શ્રોફ કૉલેજ ઑફ કૉમર્સને વૈશ્વિક સંસ્થા ક્વૉકરેલી સિમન્સ તરફથી ગોલ્ડ રૅન્કિંગ એનાયત કરવા માટેના સમારંભનું સોમવારે ૧૧મી એપ્રિલે આયોજન કરવામાં આવ્યું છે.
કૉલેજના મેદાનમાં સાંજે ૫.૪૫ વાગ્યે રખાયેલા કાર્યક્રમમાં ક્વૉકરેલી સિમન્સના દક્ષિણ એશિયા, મધ્ય પૂર્વ અને આફ્રિકાના રિજનલ ડિરેક્ટર ડૉ. અશ્વિન ફર્નાન્ડિસ આ પુરસ્કાર પ્રદાન કરશે.
આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી મુખ્ય મહેમાનપદે તથા મુંબઈ વિદ્યાપીઠના ઉપકુલપતિ ડૉ. સુહાસ પેડણેકર અતિથિવિશેષપદે ઉપસ્થિત રહેશે. કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સતીષ દત્તાણી અધ્યક્ષસ્થાને હશે. હાજર રહેનારા અન્ય મહાનુભાવોમાં શ્રોફ કૉલેજનાં આચાર્યા ડૉ. લિલી ભૂષણ, ઉપાચાર્ય ડૉ. વી. એસ. કન્નન, કેઈએસના ઉપપ્રમુખ મહેશ શાહ, માનદ સચિવ મહેશ ચંદારાણા, માનદ સંયુક્ત સચિવ રજનીકાંત ઘેલાણી તથા ખજાનચી નવીન સંપટનો સમાવેશ થાય છે.
અહીં જણાવવું રહ્યું કે ક્વૉકરેલી સિમન્સે વર્લ્ડ યુનિવર્સિટી રૅન્કિંગ્સનો વર્ષ ૨૦૦૪માં પ્રારંભ કર્યો હતો. દર વર્ષે તેના વાર્ષિક પ્રકાશનમાં રૅન્કિંગ પ્રકાશિત કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં તેની ઘણી નામના છે.
ક્વૉકરેલી સિમન્સ વૈશ્વિક સ્તરે ઉચ્ચ શિક્ષણ સંબંધિત વિશ્લેષણ અને અન્ય સેવાઓ પૂરી પાડનારી ખ્યાતનામ સંસ્થા છે. શ્રોફ કૉલેજને શિક્ષણ, શિક્ષકોની ગુણવત્તા, સંસ્થાની સુવિધાઓ, સંસ્થામાં શિક્ષણ લીધા બાદ વિદ્યાર્થીઓને મળતી રોજગારની તક, સામાજિક જવાબદારી, સુવહીવટ એ બધા માપદંડના આધારે આ રૅન્કિંગ આપવામાં આવ્યું છે, જેનો સમયગાળો ૨૦૨૨થી ૨૦૨૪ સુધીનો છે.
કેઈએસની શ્રોફ કૉલેજ ભારતની એનએએસીનું ‘એ’ ગ્રેડ ધરાવવા ઉપરાંત આઇએસઓ ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણપત્ર પણ ધરાવે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની ‘પરામર્શ’ યોજનામાં માર્ગદર્શક કૉલેજ તરીકે પણ તેને સ્થાન મળ્યું છે. મુંબઈ વિદ્યાપીઠે તેને વર્ષ ૨૦૧૭-૧૮ની શ્રેષ્ઠ કૉલેજનું પુરસ્કાર પ્રદાન કર્યું હતું.
