મુંબઈઃ ગયા રવિવાર (તા. ૧૯ માર્ચ)ની બપોરે કાંદિવલીમાં બે ફાઉન્ડેશનનું અનોખું મિલન થયું હતું. એક કાંદિવલીનું મીટ ઈન્ડિયા ફાઉન્ડેશન અને બીજું ચિલ્ડ્રન ટોય ફાઉન્ડેશન. આ બે ફાઉન્ડેશનના મિલનનું કારણ હતું ‘મસ્તી કી પાઠશાલા’. કાંદિવલી એજ્યુકેશન સોસાયટી (કેઈએસ) દ્વારા સ્થાપિત, ગુજરાતી ભાષા ભવન સંચાલિત પરિવર્તન પુસ્તકાલયના ઉપક્રમે ‘મસ્તી કી પાઠશાલા’ના ઉદઘાટનનો આ પ્રસંગ હતો, જેમાં નાનાં બાળકો અને તેમના માતા-પિતાએ હાજરી આપી આ અવસરને માણ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા ચિલ્ડ્રન ટોય ફાઉન્ડેશનના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી દેવેન્દ્ર દેસાઈએ તેમના ફાઉન્ડેશનના ઉદ્દેશ્યો અને પ્રવૃતિઓની જાણકારી આપી હતી. એમણે કહ્યું, ‘દરેક બાળકને રમવાનો અધિકાર છે’, ‘રમો અને રમાડો’ – આ બે અમારા સુત્રો છે. આ લક્ષ્ય સાથે કામ કરતા ચિલ્ડ્રન ટોય્સ ફાઉન્ડેશને અત્યાર સુધીમાં દેશભરમાં ૩૫૩ રમકડાં-ગેમ્સ લાઈબ્રેરીની સ્થાપના કરાવી છે. ફાઉન્ડેશનની પ્રવૃતિઓ મુંબઈ, ચેન્નાઈ અને ભુજમાં પણ ચાલે છે. આ ઉપરાંત તેઓ એક મોબાઈલ વેનમાં હરતી-ફરતી ટોય્સ-ગેમ્સ લાઈબ્રેરી પણ ચલાવે છે. દેવેન્દ્ર દેસાઈ ગેમ્સના માસ્ટર અને ચેમ્પિયન છે. તેમણે આ પ્રવૃતિ અને લક્ષ્યને જીવન સમર્પિત કર્યુ છે. આજે ૭૮ ની ઉંમરે પણ તેઓ આ પ્રવૃતિમાં સક્રિય છે. તેમના ૮૧ વરસના સક્રિય સાથી અરૂણભાઈ મહેતાએ મીટ ઈન્ડિયાના સભ્યોને અનેકવિધ ગેમ્સની તાલીમ આપી હતી અને દર રવિવારે પાઠશાળામાં હાજર રહી બાળકોને કંઈક વધુ શીખવવાની અને ગમ્મત કરાવવાની ખાતરી આપી હતી.
ટોય ફાન્ડેશનના સક્રિય કાર્યકર્તા વંદનાબેન સોનાવણેએ ગેમ્સની સમજ આપી હતી. ચિલ્ડ્રન ટોય્સ ફાઉન્ડેશન દેશના દરેક રાજ્યમાં એક લાઈબ્રેરી હોય એવા પ્લાન પર કામ કરી રહ્યું છે, જે નજીકના સમયમાં પૂર્ણ થઈ જશે. મુંબઈના પરાંઓમાં પણ લાઈબ્રેરીના પ્રસારનો તેમનો વિચાર છે. આ લાઈબ્રેરીની ગેમ્સની વિશેષતા એ છે કે તે માઈન્ડ ગેમ્સ હોવાથી તે બાળકોની બુધ્ધિશક્તિને ધારદાર બનાવે છે, તેમનામાં એકાગ્રતા લાવે છે, તેમનામાં રચનાત્મકતા ખીલવે છે.
ત્રણ બાળકોના ત્રણ પુસ્તકોનું વિમોચન
આ અવસરે સોનામાં સુગંધ ભળે તેમ ત્રણ પુસ્તકોનું દેવેન્દ્ર દેસાઈના હસ્તે વિમોચન કરાયું હતું. આમાં મહત્ત્વની વાત એ છે કે આ પુસ્તકો ત્રણ બાળકોએ લખ્યા છે. નિષ્ઠા હાર્દિક મોદી (પ્રિન્સેસ લીના એન્ડ હર મેજિક વેન્ડ), દિવ્યમ હાર્દિક સંઘવી (ડિની એન્ડ મિસ્ટરિયસ કેવ) અને ખુશી સુનિલ (લીટલ મિસ્ટરી સોલ્વર્સ)એ પુસ્તક લખ્યાં છે. આ ત્રણેય બાળકોએ પોતાને પુસ્તક લખવાનો વિચાર કેવી રીતે આવ્યો એ વિશે ટૂંકમાં વાત કરી હતી.
કઠપુતલીથી શરૂઆત અને હાઉઝીથી પૂર્ણાહતિ
ઈશ્વર પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મીટ ઈન્ડિયાનાં સભ્ય પૂર્ણાબેન મોદીએ રસપ્રદ શૈલીમાં કર્યુ હતું. તેમણે બાળકોને કઠપુતલીના શો મારફત ગમ્મત કરાવી હતી અને વાર્તા કહેવાના તેમ જ ગીતો સંભળાવવાના ઈન્ટરેસ્ટિંગ પ્રયોગો બતાવ્યાં હતાં. સોનલબેન શાહે બાળકોને કઈ-કઈ રચનાત્મક પ્રવૃતિઓ થશે અને કઈ રીતે તેમને વિવિધ કળા શીખવાશે તેનો ચિતાર આપ્યો હતો. તૃપ્તિબેન નિસરે ‘મસ્તી કી પાઠશાલા’નો ઉદ્દેશ્ય સમજાવવા સાથે દર રવિવારે બાળકોને આ પાઠશાળામાં કઈ અને કેવી પ્રવૃત્તિઓ હાથ ધરાશે તેની જાણકારી આપી હતી. જયેશ ચિતલિયાએ દેવેન્દ્ર દેસાઈનો પરિચય કરાવ્યો હતો. હરેશભાઈ ગાલાએ ‘બાળક વાર્તા કહે તો કઈ રીતે કરે’ તેની રસપ્રદ રમુજી અભિનય સાથે પ્રસ્તુતિ કરી હતી. કાર્યક્રમને અંતે, દેવેન્દ્રભાઈએ બાળકો-પેરેન્ટ્સને દેશભક્તિનાં ગીતો આધારિત હાઉઝી રમત રમાડી હતી. મીટ ઈન્ડિયાનાં સિનિયર સભ્ય ઉમાબેન અરવિંદ સંઘવીએ આભારવિધિ કરી હતી. મીટ ઈન્ડિયાના ટ્રસ્ટી મહેશ ગાંધી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.