મુંબઈઃ શહેરમાં 20થી પણ વધારે દિવસોથી કોરોના વાઈરસ સામેના જંગમાં લોકડાઉન લાગુ છે. આને કારણે રોજનું કમાઈને પોતાનું અને પરિવારજનોનું પેટ ભરનાર મજૂરો, કામદારોની હાલત કફોડી થઈ ગઈ છે.
આવા જરૂરિયાતમંદ લોકોને ભોજન અને ફૂડ પેકેટ્સ પૂરાં પાડવામાં શહેરના અનેક નામાંકિત લોકો આગળ આવ્યાં છે. ગરીબ વિસ્તારોમાં જઈને ભૂખ્યાં લોકોને જમાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં સત્તાવાળાઓ અને પોલીસતંત્ર દ્વારા પણ રાહત કામગીરી ચલાવવામાં આવી રહી છે.
આ સહાયતા-પ્રવૃત્તિઓમાં મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત વીજપૂરવઠા વિતરણ અને ટ્રાન્સપોર્ટ કંપની BEST પણ પાછળ નથી રહી. એણે એક સરસ રસ્તો શોધી કાઢ્યો છે.
હાલ જ્યારે લોકડાઉનને કારણે લોકોની અવરજવર સદંતર બંધ છે અને ‘બેસ્ટ’ની બસ સેવા માત્ર આવશ્યક સેવાકર્મીઓ, તબીબી ક્ષેત્રના લોકો માટે જ ચાલુ રાખવામાં આવી છે. મોટા ભાગની બસો ડેપોની અંદર જ રાખવામાં આવે છે. આ સંજોગોમાં, ‘બેસ્ટ’ કંપનીએ જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ્સ પહોંચાડવા માટે તેની એરકન્ડિશન્ડ મિની બસોને કામમાં લીધી છે.
આવી એસી મિની બસોમાંથી પેસેન્જર બેઠકોને હટાવી દેવામાં આવી છે અને આખી બસમાં ફૂડ પેકેટ્સ મૂકવામાં આવે છે અને પછી તે જરૂરિયાતમંદ લોકોના સ્થળોએ દોડાવવામાં આવે છે.
એરકન્ડિશનર ચાલુ હોવાથી ખાદ્યપદાર્થો કલાકો સુધી તાજા પણ રહી શકે છે.
‘બેસ્ટ’ કંપની આ ફૂડ પેકેટ્સનું વિતરણ કરીને બેઘર અને માઈગ્રન્ટ કામદારોની સહાયતા કરે છે.