માના હાલરડાંથી લઈને બાળગીતો તથા લગ્નગીતોથી મરસિયા સુધીનાં જીવનનાં અનેક રંગો સાથે જોડાયેલાં ગીતો આપણાં લોહીમાં વહે છે. લોકગીતો , કાવ્યસંગીત તથા સુગમ સંગીતે પણ દાયકાઓથી આપણને સભર રાખ્યાં છે.
કેટલાંક ગીતો એવાં પણ હશે જે દાયકાઓ અગાઉ ગાયાં હશે અને આપણે ગળે ડૂમો બની બાઝી ગયાં હશે .
ચાલો સાથે ગાઈએ ..એવો એક જાહેર કાર્યક્રમ’ ઝરૂખો’ તથા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે . અહીં રજૂ થનારાં ગીતોની સાથે શ્રોતાઓ પણ ગાઈ શકશે અને એમનાં કંઠને અને હૈયાંને નવપલ્લવિત કરી શકશે.
૭ ઑક્ટોબર શનિવાર સાંજે ૭.૩૦ વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં જાણીતાં ગાયિકા અમી શાહ તથા કાંદીવલી એજ્યુકેશન સોસાયટીની વિદ્યાર્થિની ધાની ચારણ વિવિધ ગીતો ગાશે અને સાથે શ્રોતાઓને પણ ગવડાવશે. સાથે તબલાં પર હેમાંગ વ્યાસ અને કી બોર્ડ પર મનીષા મણિયાર સંગત કરશે.
આ કાર્યક્રમની પરિકલ્પના તથા સંચાલન સંજય પંડ્યાના છે અને આ સંગીતમઢી સાંજ સાઈબાબા મંદિર, બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાઈ છે. ‘જન્મભૂમિ ‘ અખબાર આ કાર્યક્રમનું મિડિયા પાર્ટનર છે.