મુંબઈગરાઓને રાહત; સીએનજી રૂ.3, પીએનજી રૂ.2 સસ્તો થયો

મુંબઈઃ મહાનગર ગેસ લિમિટેડે સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) અને પીએનજી (પાઈપ્ડ નેચરલ ગેસ)ના દરોમાં ઘટાડો કર્યો છે. સીએનજી દરમાં 3 રૂપિયા અને પીએનજીમાં બે રૂપિયા ઘટાડી દેવામાં આવ્યા છે. ઘરેલૂ વપરાશ અને વાહનોમાં કુદરતી વાયુનો ઉપયોગ વધારવાના હેતુસર દર-ઘટાડાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મુંબઈમાં મોટી સંખ્યામાં વાહનચાલકો સીએનજી વાપરે છે. જ્યારે શહેરમાં અસંખ્ય વિસ્તારોમાં અનેક મકાનોમાં પીએનજી વાપરવામાં આવે છે. અગાઉ બે વખત આ બંને ગેસના દરમાં વધારો કરાયો હતો, પણ આ વખતે તેમાં ઘટાડો કરાયો છે. હવે મુંબઈમાં સીએનજી રૂ. 76 પ્રતિ કિલો અને પીએનજી રૂ. 47 પ્રતિ કિલોના દરે મળશે. સીએનજીના વપરાશથી પેટ્રોલ વપરાશમાં 50 ટકા અને ડિઝલમાં 20 ટકાની બચત થાય છે. એવી જ રીતે, ઘરેલૂ એલપીજી સિલિન્ડર કરતાં પીએનજીના દર ઓછા છે.

એલપીજીની સરખામણીમાં પીએનજી સુરક્ષિત અને પર્યાવરણ અનુકૂળ છે. પીએનજી ઘરેલૂ, કમર્શિયલ અને ઔદ્યોગિક હેતુઓ માટે વાપરી શકાય છે. આ કુદરતી વાયુ છે અને સુરક્ષિત ઈંધણ છે. એલપીજી કરતાં પીએનજી 30 ટકા સસ્તો છે.