મહારાષ્ટ્રમાં છ મહિનામાં સગીર વયની 3000 છોકરીઓ લાપતા થઈ છેઃ વિધાનસભામાં માહિતી

નાગપુર – મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અહીં વિધાનસભામાં શિયાળુ સત્ર દરમિયાન એવી ચોંકાવનારી માહિતી આપી છે કે આ વર્ષના જાન્યુઆરીથી જૂન સુધીના પહેલા છ મહિનામાં 2,965 છોકરીઓ ગૂમ થયાનું નોંધવામાં આવ્યું હતું. 2016ના વર્ષમાં આ જ સમયગાળા દરમિયાન 2,881 છોકરીઓ ગૂમ થઈ હતી.

વિધાનસભામાં ભાજપના વિધાનસભ્ય રણધીર સાવરકરે પૂછેલા સવાલના લેખિત જવાબમાં ફડણવીસે જણાવ્યું હતું કે આ વર્ષે 1 જાન્યુઆરીથી 30 જૂન વચ્ચેના સમયગાળા દરમિયાન સગીર વયની 2,965 છોકરીઓ ગૂમ થઈ હતી.

મુખ્યપ્રધાન ફડણવીસ ગૃહ મંત્રાલય પણ સંભાળે છે. એમણે કહ્યું કે, છોકરીઓ ગૂમ થવાના સંબંધમાં કોઈ ચોક્કસ ટોળકી સંડોવાયેલી હોય એવી જાણકારી નથી અને એવી કોઈ ટોળકી સામે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. તે છતાં ગૂમ થયેલી છોકરીઓને શોધી કાઢવા માટે 12 પોલીસ વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે.

ફડણવીસે કહ્યું કે ગૂમ થનાર કોઈ પણ બાળકને શોધવામાં મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકારે www.trackthemissingchild.gov.in નામની વેબસાઈટ શરૂ કરી છે. રેલવે તંત્રે પણ આમાં મદદરૂપ થવા માટે તેનું પોર્ટલ www.shodh.gov.in અપડેટ કર્યું છે. આ બંને વેબસાઈટ પોલીસોને મદદરૂપ થઈ રહી છે.