મુંબઈના અંધેરીમાં ફરસાણની દુકાનમાં ભીષણ આગ લાગી; 12 જણનાં કરૂણ મોત

મુંબઈ – અંધેરી (ઈસ્ટ) ઉપનગરના સાકીનાકા વિસ્તારમાં આવેલા ખૈરાની રોડ પર આવેલી ફરસાણ-મીઠાઈની એક દુકાનમાં આજે સવારે ભીષણ આગ લાગતાં 12 જણનાં મરણ નિપજ્યાં છે.

આગને કારણે મકાનના અમુક ભાગને પણ નુકસાન પહોંચ્યું છે.

મરણાંક વધવાની દહેશત છે.

આગ આજે વહેલી સવારે લગભગ ચાર વાગ્યે લાગી હતી. ભાનુ ફરસાણ નામની મીઠાઈની દુકાન માખરીયા કમ્પાઉન્ડમાં આવેલી છે.

આગ લાગવાનું કારણ તત્કાળ જાણી શકાયું નથી. ઓછામાં ઓછા ત્રણ ફાયર એન્જિન્સ, ત્રણ જમ્બો વોટર ટેન્કર અને એમ્બ્યુલન્સ સાથે અગ્નિશામક દળના જવાનો જાણ કરાતાં તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાનું કામ શરૂ કરી દીધું હતું.

માર્યા ગયેલાઓ દુકાનના કામદારો હતા. આગ લાગી ત્યારે દુકાનમાં 15 કામદારો હતા. આગ લાગ્યા બાદ તરત જ દુકાનનો સ્લેબ એમના માથે પડ્યો હતો પરિણામે એમને બહાર ભાગવાની તક મળી નહોતી.