વિમાનમાં ઝાયરાની છેડતી કરનારનો જામીન પર છુટકારો

મુંબઈ – દંગલ અને સીક્રેટ સુપરસ્ટાર ફિલ્મોની સગીર વયની અભિનેત્રી ઝાયરા વસીમની એર વિસ્તારાના વિમાનમાં છેડતી કરનાર આરોપીને અહીંની એક કોર્ટે જામીન પર મુક્ત કર્યો છે.

એક સેશન્સ કોર્ટે વિકાસ સચદેવ નામના 39 વર્ષીય આરોપી અને વિમાન પ્રવાસીને રૂ. 25,000ની રકમ ચૂકવ્યાની સામે જામીન પર છોડ્યો છે. સચદેવ એક વેપારી છે.

ગયા અઠવાડિયે નવી દિલ્હીથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટમાં પોતાની છેડતી કર્યાનો ઝાયરાએ સચદેવ પર આરોપ મૂક્યો છે.

ઝાયરાની ફરિયાદ પરથી સહાર પોલીસ (અંધેરી)એ સચદેવની ધરપકડ કરી હતી. પોલીસે એની સામે ભારતીય પીનલ કોડ તથા 2012ની સાલમાં ઘડાયેલા કાયદા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POSCO)ની જોગવાઈ અંતર્ગત ગુનો નોંધ્યો છે.

ઝાયરાની ફરિયાદ…

ઝાયરાએ ફરિયાદ કરી છે કે તે એર વિસ્તારાની ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં સફર કરી હતી અને અડધી ઊંઘમાં હતી ત્યારે એની પાછળ બેઠેલા પુરુષ પ્રવાસી (સચદેવ)એ એનો પગ પોતાની પીઠ અને ગરદન પર ફેરવીને એને પરેશાન કરી હતી.

ઝાયરાએ એવો દાવો પણ કર્યો છે કે એણે આની જાણકારી ફ્લાઈટ ક્રૂ મેમ્બર્સને પણ કરી હતી, પણ એમણે તેની કોઈ મદદ કરી નહોતી.

એરલાઈને બાદમાં માફી માગી હતી અને બનાવમાં તપાસ આદરી હતી.

ઝાયરાએ તે બનાવનું વર્ણન એક સેલ્ફ-શોટ વિડિયોમાં રડતાં રડતાં કર્યું હતું. તે વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો અને આખા દેશમાં એનો ખળભળાટ મચી ગયો હતો.

રાષ્ટ્રીય સ્તરના તેમજ મહારાષ્ટ્ર રાજ્ય સ્તરના મહિલા અધિકારોનાં પંચે તેમજ શિવસેના પાર્ટીએ બનાવને વખોડી કાઢ્યો હતો અને આરોપી સામે પગલું ભરવાની માગણી કરી હતી.

કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન મંત્રાલયે કહ્યું હતું કે વિકાસ સચદેવ જો અપરાધી ઠરશે તો તે એને નો-ફ્લાઈટ લિસ્ટમાં મૂકી દેશે.