મુંબઈઃ હાર્બર લાઈન પર 25 ડિસેમ્બર સુધી મેગાબ્લોક, લોકલ ટ્રેન સેવા ખોરવાશે

મુંબઈ – મહાનગરમાં હાર્બર લાઈન પર મધ્ય રેલવેએ આજથી ચાર દિવસ માટે મેગાબ્લોકનો અમલ શરૂ કરી દીધો છે.

સીવૂડ-ઉરણ રેલવે લાઈનના બાંધકામ સંબંધિત અમુક કામકાજ હાથ ધરાયું હોવાથી આ મેગાબ્લોક લાગુ કરવામાં આવ્યો છે. આને કારણે હાર્બર લાઈન પર લોકલ ટ્રેન સેવા ખોરવાયેલી રહે એવી સંભાવના છે.

આ મેગાબ્લોક 25 ડિસેમ્બરે પૂરો થશે.

આ દિવસો દરમિયાન હાર્બર લાઈન પર ખાસ કરીને નેરુલ અને પનવેલ સ્ટેશનો વચ્ચે ઘણી લોકલ ટ્રેનોને સસ્પેન્ડ કરવામાં આવે છે.

મેગા બ્લોક દરમિયાન હાર્બર લાઈન પર સવારે 10થી લઈને સાંજે ચારેક વાગ્યા સુધી લોકલ ટ્રેન સેવા ખોરવાયેલી રહેશે. પહેલા ત્રણ દિવસોએ ટ્રેન સેવા આંશિક અથવા મર્યાદિત રહેશે. જ્યારે ચોથા દિવસે તો 13-કલાકનો લાંબો બ્લેન્કેટ બ્લોક હોવાને કારણે ત્યારે તો ટ્રેન સેવા ઘણી ખરી ખોરવાયેલી રહેશે. એ દિવસે સવારેથી લઈને સાંજે 4.30 વાગ્યા સુધી હાર્બર લાઈન બંધ જ રખાય એવી ધારણા છે.

નેરુલ-બેલાપુર-ઉરણ ઉપનગરીય રેલવે લાઈનના પહેલા તબક્કાનું કામકાજ

25 ડિસેમ્બરે નાતાલની રજાનો દિવસ છે તેથી એ દિવસે મોટા ભાગના લોકો કામ-ધંધે ન જઈ પોતપોતાના ઘેર જ રહેશે એવું ધારીને રેલવે તંત્રે એ દિવસે મોટા ભાગનું કામ પતાવવા માટે 13-કલાક સુધી ટ્રેન સેવા બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

22-25 ડિસેમ્બરના દિવસો દરમિયાન આશરે 210 જેટલી લોકલ ટ્રેનો રદ કરાવાની સંભાવના છે. જોકે 100 જેટલી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવનાર છે.

સામાન્ય રીતે, બેલાપુર સ્ટેશનેથી આશરે 81 ટ્રેનો ઉપડતી હોય છે, પણ મેગાબ્લોકના ચાર દિવસો દરમિયાન માત્ર 67 ટ્રેનો જ દોડશે. મધ્ય રેલવે વાશી, પનવેલ અને માનખુર્દથી 100 એક્સ્ટ્રા લોકલ ટ્રેનો દોડાવશે.

દરમિયાન, મધ્ય રેલવેએ પોતાના ટ્વિટર હેન્ડલ પર કેટલીક પોસ્ટ મૂકીને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે અને મેગાબ્લોક દરમિયાન કઈ અને કેટલી ટ્રેનો રદ થશે અને ચાલુ રખાશે એની વિગતો દર્શાવતી તસવીરો મૂકી છે તેમજ અખબારોમાં જાહેરખબરો પણ પ્રગટ કરી છે.

નેરુલ-બેલાપુર-ઉરણ ઉપનગરીય રેલવે લાઈનનો પહેલો તબક્કો આવતા વર્ષના માર્ચ મહિનાથી શરૂ થવાની ધારણા છે. આ રેલવે લાઈન દ્વારા નવી મુંબઈના સૂચિત એરપોર્ટને ટ્રેન સેવા દ્વારા કનેક્ટ કરવાની રેલવેની યોજના છે.