બીએમસી મફતમાં માસ્ક આપશે, નિયમભંગકર્તાઓને રૂ.200નો દંડ ફટકારશે

મુંબઈઃ કોરોના વાઈરસના કેસ ફરી વધી જતાં મુંબઈ મહાનગરપાલિકા વહીવટીતંત્ર (બીએમસી – બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) સતર્ક થઈ ગયું છે. એણે એક નિવેદન દ્વારા શહેરીજનોને જણાવ્યું છે કે જે કોઈ મોઢા પર માસ્ક નહીં પહેરે એમને ર. 200નો દંડ કરવામાં આવશે અને એને મફતમાં એક માસ્ક પણ આપવામાં આવશે. લોકો ખતરનાક એવા કોવિડ-19 રોગચાળા અંગે સાવચેત બને અને ઉચિત વર્તન કરે એ માટે તેમને પ્રોત્સાહિત કરવા બીએમસીએ આ નિર્ણય લીધો છે.

ગયા એપ્રિલથી લઈને 28 નવેમ્બર સુધીમાં શહેરમાં જાહેર સ્થળોએ માસ્ક વગર ફરતા 4.85 લાખ નાગરિકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને એમની પાસેથી દંડ રૂપે કુલ રૂ. 10 કરોડ 70 લાખ વસૂલ કરવામાં આવ્યા હતા. બીએમસીનું કહેવું છે કે માસ્ક વગર ફરનારને પકડીને દંડ ફટકારવામાં આવે છે અને દંડ ચૂકવીને પણ એ ફરી માસ્ક ન પહેરે તો કોવિડ-19ને રોકવા માટેની માર્ગદર્શિકાઓના અમલનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ થતો નથી. તેથી હવે અમે એવા નાગરિકોને મફતમાં એક માસ્ક પણ આપવાના છીએ અને રૂ. 200નો દંડ પણ ફટકારીશું. દંડવસૂલી સામે એને જે રશીદ આપવામાં આવશે એમાં તેને મફતમાં માસ્ક અપાયો હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હશે.

મુંબઈમાં અત્યાર સુધીમાં કોરોનાના 2,82,821 કેસ થયા છે અને 10,865 જણે આ રોગને કારણે જાન ગુમાવ્યા છે. મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.