મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જે શાસકીય વિમાન દ્વારા રાજ્યના જળગાંવ જિલ્લાના જામનેર જતા હતા તેને ખરાબ હવામાન નડતાં મુંબઈ પાછું વાળી દેવામાં આવ્યું હતું. જામનેર નજીક છેલ્લા છ દિવસોથી કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શિંદે અને ફડણવીસ તેમાં ઉપસ્થિત રહેવા માટે આજે સરકારી વિમાન દ્વારા મુંબઈથી જામનેર જવા રવાના થયા હતા. વિમાન સફરમાં જ હતું તે વખતે ખરાબ હવામાન નડતાં એને મુંબઈ તરફ વાળવામાં આવ્યું હતું અને સાંતાક્રુઝ (પૂર્વ)ના કાલિના એરપોર્ટના ગેટ ક્રમાંક 6 પર એનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બંને નેતાનો જામનેર પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.
કાલિના એરપોર્ટનું માલિક અદાણી ગ્રુપ છે. 2021ના ફેબ્રુઆરીમાં અદાણી ગ્રુપે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)માં જીવીકે અને બિડવેસ્ટનો હિસ્સો હસ્તગત કરી લીધો હતો. હવે તેની પાસે 74 ટકા હિસ્સો છે અને તે આ એરપોર્ટનો અંકુશ ધરાવે છે.
કાલિના એરપોર્ટ મુંબઈનું એકમાત્ર કોર્પોરેટ એવિએશન (અથવા જનરલ એવિએશન) ટર્મિનલ છે. તે સાંતાક્રુઝ (પૂર્વ) ઉપનગરમાં કાલિના મિલિટરી કેમ્પ નજીક આવેલા સાંતાક્રુઝ ડોમેસ્ટિક એરપોર્ટની બાજુમાં આવેલું છે. તેને નવો ઓપ આપવામાં આવ્યો છે. અહીં દર મહિને આશરે 750 ફ્લાઈટની અવરજવર રહે છે. મુંબઈના સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1 અને 2 ખાતે શેડ્યૂલ્ડ એરલાઈન્સ વિમાનોની અવરજવર માટે હોય છે. જ્યારે કાલિના એરપોર્ટ ચાર્ટર્ડ ફ્લાઈટ્સ, વીવીઆઈપી ફ્લાઈટ્સ અને ખાનગી ફ્લાઈટ્સ માટે વપરાય છે.