મુંબઈ – મહારાષ્ટ્ર સરકારે 29 ફેબ્રુઆરીથી લાગુ થાય એ રીતે તમામ રાજ્ય સરકારી કર્મચારીઓ માટે પાંચ-દિવસના કામકાજવાળા અઠવાડિયાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારના આ નિર્ણયથી કર્મચારીઓ અને અધિકારીઓ એકદમ ખુશ થઈ ગયા છે, પરંતુ કેટલાક જણે એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે શું આ પ્રથાથી સરકારી વિભાગોનું કામકાજ સરળ રીતે ચાલશે ખરું?
ઠાકરે સરકારના જ પ્રધાન બચ્ચૂ કડૂએ જ વિરોધી સૂર વ્યક્ત કર્યો છે. એમણે કહ્યું છે કે સરકારી કર્મચારીઓ માટે કામકાજનો એક દિવસ ઓછો કરીને અને પાંચ દિવસના કામકાજમાં એક-એક કલાક વધારવાનો નિર્ણય હાસ્યાસ્પદ છે. ઘણા કાર્યાલયોમાં બાયોમેટ્રિક હાજરીની પદ્ધતિ છે. મોટા શહેરોના અમુક કાર્યાલયોને બાદ કરતાં ક્યાંય આ પદ્ધતિ નથી. કર્મચારીઓ કાર્યાલયમાં ક્યારે આવે છે, ક્યારે જાય છે એનો કોઈ પણ પ્રકારે હિસાબ રખાતો નથી.
બચ્ચૂ કડૂના આ આક્ષેપનો શિવસેનાના અન્ય પ્રધાન ગુલાબરાવ પાટીલે જવાબ આપ્યો છે. એમણે કહ્યું કે સરકારે પાંચ-દિવસના કામકાજનું અઠવાડિયું જાહેર કરવાની સાથોસાથ, કર્મચારીઓના રોજેરોજના કામકાજના સમયમાં 45-મિનિટ વધારી દીધી છે. કર્મચારીઓ એ પ્રમાણે કામ કરશે.
ગુલાબરાવ પાટીલે એમ પણ કહ્યું કે રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે સરકારની તિજોરીને મોટી રકમની બચત થશે. પ્રશાસકીય કાર્યાલયોમાં એક દિવસનો ખર્ચ બચશે. એમાં વીજળીનું બિલ, પાણીનું બિલ, વાહનો માટે ઈંધણનો ખર્ચ વગેરે બધું મળીને કરોડો રૂપિયાની બચત થશે.
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પાંચ-દિવસના અઠવાડિયાનો નિયમ રાજસ્થાન, બિહાર, પંજાબ, દિલ્હી, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં લાગુ કરી દેવાયો છે.
મુંબઈ શહેરમાં 29 ફેબ્રુઆરીથી બધી રાજ્ય સરકારી કચેરીઓ સવારે 9.45 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6.15 વાગ્યા સુધી કામ કરશે. વચ્ચે 30-મિનિટનો લંચ બ્રેક મળશે. મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓને પણ આ નિયમ લાગુ પડશે. હાલ મહિનાના દર બીજા અને ચોથા શનિવારે સરકારી ઓફિસો બંધ રહે છે.
આ નિયમ જોકે ફેક્ટરીઝ એક્ટ અને ઈન્ડસ્ટ્રિયલ ડિસ્પ્યૂટ્સ એક્ટ તેમજ સરકારી હોસ્પિટલો, દવાખાનાઓ, પોલીસ, જેલ, પાણી સપ્લાય યોજનાઓ, ફાયર બ્રિગેડ જેવી આવશ્યક સેવાઓ તેમજ શાળા-કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓ અને ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટ્સને લાગુ નહીં પડે.
રાજ્યમાં હાલ કર્મચારીઓ વર્ષમાં 288 કામકાજના દિવસોએ હાજર રહે છે. એ સંખ્યા ઘટીને 264 દિવસ થશે. જોકે દરરોજ એમના કામકાજના કલાકોનો સમય હાલના સાત કલાક અને 15 મિનિટથી વધીને આઠ કલાક થશે.