મુંબઈમાં મધ્ય રેલવેની પહેલી AC લોકલ દોડતી થઈ

મુંબઈ – પશ્ચિમ રેલવે બાદ મુંબઈમાં મધ્ય રેલવેએ પણ તેની એરકન્ડિશન્ડ લોકલ ટ્રેન શરૂ કરી છે. આજે એની પહેલી એસી લોકલ પનવેલ સ્ટેશનેથી થાણે સુધી દોડાવવામાં આવી હતી.

રેલવેના રાજ્યકક્ષાના પ્રધાન સુરેશ અંગડીએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનના કન્ટ્રોલ રૂમમાંથી વિડિયો લિન્ક મારફત આ ટ્રેનની સફરનો શુભારંભ કરાવ્યો હતો.

આ ઉદઘાટક ટ્રેનને બંને મહિલાએ ચલાવી હતી. મોટરમેન હતાં મનીષા મ્હસ્કે અને ગાર્ડ હતાં શ્વેતા ઘોને.

પનવેલ સ્ટેશનેથી બપોરે અઢી વાગ્યાના સુમારે આ એસી લોકલ ટ્રેનને થાણે રવાના કરવામાં આવી હતી. થાણેથી તે નેરુલ સ્ટેશન સુધી ગઈ હતી અને ત્યાંથી એને કારશેડમાં મોકલી દેવામાં આવી હતી.

શુક્રવારથી આ ટ્રેન રોજ 16 ફેરી કરશે.

મધ્ય રેલવેના ટ્રાન્સ-હાર્બર વિભાગ પર થાણે-નેરુલ, થાણે-પનવેલ અને થાણે-વાશી સ્ટેશનો વચ્ચે આ ટ્રેનને દરરોજ દોડાવવામાં આવશે.

આ ટ્રેનમાં પ્રવાસીઓ માટે ઈન્ટરકોમ સુવિધા સહિત જીપીએસ-આધારિત ઈન્ફોર્મેશન સિસ્ટમ બેસાડવામાં આવી છે. તે ઉપરાંત દરેક ડબ્બામાં બે-સાઈડવાળા ડિસ્પ્લે અને બે ડબલ-સાઈડવાળા ડિસ્પ્લે મૂકવામાં આવ્યા છે.

ટ્રેનમાં પ્રવાસીઓ માટેની સીટ સ્ટેનલેસ સ્ટીલની બનાવવામાં આવી છે. બારીઓ ઘણી પહોળી અને મોટી ડબલ-ગ્લાસવાળી સીલ્ડ વિન્ડો છે જેમાંથી બહારનું વિશાળ દ્રશ્ય જોઈ શકાય છે.

પ્રવાસીઓની સલામતી માટે ટ્રેનમાં ઓટોમેટિક દરવાજાવાળી સિસ્ટમ છે. તે ઉપરાંત તાકીદની સ્થિતિ માટે એલાર્મ સિસ્ટમ છે. પ્રવાસીઓ અને ટ્રેનચાલકો વચ્ચે સંદેશવ્યવહાર કરવા માટે ટોક-બેક સુવિધા પણ છે.

પશ્ચિમ રેલવે બે વર્ષથી ચર્ચગેટ અને વિરાર વચ્ચે એરકન્ડિશન્ડ લોકલ ટ્રેન દોડાવે છે.