દહાણુ, તલાસરી તાલુકાઓમાં ધરતીકંપનો આંચકો આવ્યો

મુંબઈઃ પડોશના પાલઘર જિલ્લાના દહાણુ અને તલાસરી તાલુકાઓમાં આજે વહેલી સવારે 4.04 વાગ્યે ધરતીકંપનો આંચકો આવ્યો હતો. રીક્ટર સ્કેલ પર એની તીવ્રતા 3.6 માપવામાં આવી હતી.

આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ શ્રી મહાલક્ષ્મી મંદિર નજીક વિવાલવેઢે ગામ નજીક અને જમીનથી પાંચ કિલોમીટર ઉંડે હોવાનું માલુમ પડ્યું હતું. આંચકો મધ્યમ પ્રકારનો હતો, પરંતુ ઘણા લોકો ગભરાટના માર્યા ઊંઘમાંથી જાગી ગયા હતા. ક્યાંયથી કોઈ પ્રકારના નુકસાનનો અહેવાલ મળ્યો નથી. આ વિસ્તારમાં ધરતીકંપના આંચકા અવારનવાર આવે છે. નુકસાન કાબૂમાં રહે એ માટેના પગલાં સૂચવવા માટે માટે મહારાષ્ટ્ર સરકારે એક સમિતિની પણ રચના કરી છે.