કરોડોની ગેરકાયદેસર લોનના કેસમાં બેન્ક ઓફ મહારાષ્ટ્રના CMDની ધરપકડ

પુણે – એક ઓચિંતી બનેલી ઘટનામાં, ઈકોનોમિક ઓફેન્સીસ વિંગના અધિકારીઓએ પુણેના બાંધકામ ક્ષેત્રના જાણીતા ડીએસકે ગ્રુપને ગેરકાયદેસર રીતે આપવામાં આવેલી રૂ. 3000 કરોડની લોનના એક કેસમાં બેન્ક ઓફ મહારાષ્ટ્રના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રવિન્દ્ર પી. મરાઠેની આજે ધરપકડ કરી છે.

બેન્ક ઓફ મહારાષ્ટ્રના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર રવિન્દ્ર મરાઠે

EOW વિભાગના અધિકારીઓએ બેન્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રાજેન્દ્ર કે. ગુપ્તા, ઝોનલ મેનેજર નિત્યાનંદ દેશપાંડે અને ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર સુશિલ મુહનોતની પણ ધરપકડ કરી છે. દેશપાંડેને અમદાવાદમાંથી અને મુહનોતને જયપુરમાંથી પકડ્યા છે.

બેન્ક ઓફ મહારાષ્ટ્ર પુણેસ્થિત અને 83 વર્ષ જૂની છે. આ બેન્ક ભારતમાં જાહેર ક્ષેત્રમાં અગ્રગણ્ય બેન્કોમાંની એક ગણાય છે.

આ કેસમાં ડી.એસ. કુલકર્ણી (ડીએસકે) ગ્રુપના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુનિલ ઘટપાંડે અને વાઈસ-પ્રેસિડન્ટ (એન્જિનીયરિંગ) રાજીવ નેવાસકરની પણ ધરપકડ કરવામાં આવી છે.

ડીએસકે ગ્રુપના માલિકો ડી.એસ. કુલકર્ણી અને એમના પત્ની હેમંતી – હાલ પોલીસ કસ્ટડીમાં છે

નકલી કંપનીઓને મોટી રકમની લોન મંજૂર કરવા માટે પોતાની સત્તાનો દુરુપયોગ કરવા બદલ મરાઠેની ધરપકડ કરવામાં આવી છે.

તપાસનીશ અધિકારીઓના જણાવ્યા મુજબ, બેન્કના એક્ઝિક્યુટિવ્સ અને અધિકારીઓએ ડીએસકે ગ્રુપ સાથે મળીને ગ્રુપને લોન તરીકે મોટી રકમ મંજૂર કરી હતી અને બાદમાં એ પૈસા હડપ કરી લેવામાં આવ્યા હતા.

તમામ આરોપીઓ સામે ભ્રષ્ટાચાર-વિરોધી કાયદા તથા છેતરપીંડી, ક્રિમિનલ ષડયંત્રને લગતા બીજા કાયદાઓની અનેક જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પુણેસ્થિત આ મેગા ગ્રુપના માલિકો ડી.એસ. કુલકર્ણી અને એમના પત્ની હેમંતીની ગયા ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી. એમની પર આરોપ છે કે એમણે 4000થી વધુ ઈન્વેસ્ટરો સાથે રૂ. 1,150 કરોડથી પણ વધુની છેતરપીંડી કરી છે અને લગભગ રૂ. 2,900 કરોડની બેન્ક લોન ડાઈવર્ટ કરી છે.

મહારાષ્ટ્ર સરકારે આ કેસના સંબંધમાં કંપની તથા એના માલિકોની 120થી વધુ પ્રોપર્ટી જપ્ત કરી છે, 275 બેન્ક એકાઉન્ટ્સ સ્થગિત કરી દીધા છે અને ચાર ડઝન જેટલા વાહનો પણ જપ્ત કર્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]