મુંબઈઃ ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) અને કસ્ટમ્સ અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રૂ. 1000 કરોડની કિંમતની અને 191 કિલોગ્રામ વજનની કેફી દવા હેરોઈન જપ્ત કરી છે.
અધિકારીઓએ આ ગેરકાયદેસર દ્રવ્યનો જથ્થો નવી મુંબઈના ન્હાવા શેવા બંદર ખાતે કબજે કર્યો હતો.
ડીઆરઆઈના જણાવ્યા મુજબ, આ ડ્રગ્સને પાઈપ્સમાં સંતાડીને ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહી હતી.
આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ કિલોગ્રામ આશરે પાંચ કરોડ થાય છે.
આ કેસમાં બે જણની ધરપકડ કરવામાં આવી છે. એ બંને જણ આ કેફી પદાર્થ અફઘાનિસ્તાન માર્ગે ભારતમાં લઈ આવ્યા હોવાનું કહેવાય છે.
બંને આરોપીને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને કોર્ટે એમને 14 દિવસ સુધી રીમાન્ડ પર રાખવાની મંજૂરી આપી છે.
આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.