મુંબઈ લોકલમાં ચોરાઈ ગયેલું પાકીટ 14 વર્ષે માલિકને પાછું મળ્યું

મુંબઈઃ લોકલ ટ્રેનો એટલે મુંબઈની જીવાદોરી, પણ આ લાઈફલાઈનમાં પ્રવાસ કરતી વેળાએ મુંબઈવાસીઓને અવારનવાર જાતજાતના અનુભવો પણ થાય છે. ઘણી વાર ટ્રેનમાં ચીજવસ્તુ ભૂલી જવાનો કે ચોરાઈ જવાનો પ્રવાસીઓને અનુભવ થતો હોય છે. તો અનેક જણને પોતાનું પાકીટ ચોરાઈ ગયાનો અનુભવ થયો હશે. ચોરાઈ ગયેલી ચીજ કે પાકીટ પાછું મળી જાય એવું નસીબદાર લોકો સાથે અને ભાગ્યે જ બનતું હોય.

એક બનાવમાં, એક પ્રવાસીનું 14 વર્ષ પહેલાં લોકલ ટ્રેનમાં ચોરાઈ ગયેલું પાકીટ હવે પાછું મળ્યું છે.

પોલીસે 14 વર્ષ પછી મળેલું તે પાકીટ એના માલિકને સુપરત કરી દીધું છે.

એ પાકીટમાં 900 રૂપિયા હતા. રેલવે પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર, 2006ની સાલમાં સીએસએમટી-પનવેલ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે હેમંત પડળકર નામના પ્રવાસીનું પાકીટ ચોરાઈ ગયું હતું. એ પછી લગભગ 14 વર્ષ બાદ ગયા એપ્રિલ મહિનામાં જીઆરપી (ગવર્મેન્ટ રેલવે પોલીસ)-વાશી વિભાગે પાકીટના માલિકને ફોન કરીને એનું પાકીટ મળ્યાની જાણ કરી હતી.

પરંતુ, કોરોના-લોકડાઉન લાગુ હોવાને કારણે પડળકર પાકીટ મેળવવા જઈ શક્યા નહોતા. લોકડાઉન હળવું કરાયા બાદ પનવેલમાં જ રહેતા પડળકર વાશી શહેર સ્થિત જીઆરપી ઓફિસે પહોંચ્યા હતા અને રૂપિયાસહિત એમનું પાકીટ એમને પાછું મળ્યું હતું.

હેમંત પડળકરે જ પત્રકારોને માહિતી આપતા કહ્યું કે પાકીટ ચોરાયું હતું ત્યારે એમાં 900 રૂપિયા હતા. એમાં નોટબંધી પૂર્વે ચલણમાં રહેલી 500 રૂપિયાની એક જૂની નોટ પણ હતી. વાશી જીઆરપી ઓફિસે મને 300 રૂપિયા પાછા આપ્યા છે. એમણે સ્ટેમ્પ પેપરના કામ માટે 100 રૂપિયા કાપી લીધા હતા. બાકીના 500 રૂપિયા જૂની નોટને નવી નોટમાં બદલી કરાયા બાદ મળી જશે.

જીઆરપીના એક અધિકારીએ કહ્યું કે હેમંત પડળકરનું પાકીટ ચોરનાર વ્યક્તિની કેટલાક વર્ષો પહેલા ધરપકડ કરવામાં આવી હતી.