મહારાષ્ટ્રમાં લાખો ગરીબોએ સસ્તા દરના અનાજ, શિવભોજન થાળીનો લાભ લીધો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક મહિનામાં લાખોની સંખ્યામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સસ્તા દરનું અનાજ, મફત અનાજ અને પાંચ રૂપિયા પ્રતિ થાળી – શિવભોજન થાળીની સેવા પૂરી પાડવામાં આવી છે. રાજ્યમાં સસ્તા દરના અનાજ (રેશનિંગ)ની 52,413 દુકાનો છે. આ દુકાનોમાંથી ગયા જુલાઈ મહિનામાં 6,64,23,346 લાભાર્થીઓને 63,53,268 ક્વિન્ટલ અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ જાણકારી રાજ્યના અન્ન, નાગરી પૂરવઠા અને ગ્રાહક સંરક્ષણ ખાતાના પ્રધાન છગન ભુજબળે આપી છે.

રાષ્ટ્રીય અન્નસુરક્ષા યોજના અંતર્ગત અંત્યોદય અને પ્રાધાન્ય કુટુંબ, તેમજ APL (અબાઉ પાવર્ટી લાઈન) કિસાન લાભાર્થી રેશનકાર્ડ મારફત 7,49,000 નાગરિકોમાંથી 6,64,23,346 લાભાર્થીઓને 21,08,960 ક્વિન્ટલ ઘઉં અને 16,25,109 ક્વિન્ટલ ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત પ્રતિ લાભાર્થી પ્રતિ મહિના પાંચ કિલો અનાજ (ઘઉં અને ચોખા) મફત આપવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આ યોજના અંતર્ગત ગઈ 15 જુલાઈ સુધીમાં જુલાઈ મહિના માટે 26,19,199 ક્વિન્ટન ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સ્થળાંતરિત થયેલા, પરંતુ લોકડાઉનને કારણે મહારાષ્ટ્ર રાજ્યમાં અટવાઈ ગયેલા આશરે 3,81,407 રેશનકાર્ડ ધારકોને – તેઓ જ્યાં હોય એ સ્થળે પોર્ટેબિલિટી યંત્રણા મારફત – અનાજ પૂરું પાડવામાં આવ્યું છે.

આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના હેઠળ સમાવેશ ન પામેલા રેશનકાર્ડ વિહોણા પ્રત્યેક વ્યક્તિને પાંચ કિલો મફત ચોખા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત મહારાષ્ટ્રમાં 1,35,308 ક્વિન્ટલ ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે.

શિવભોજન થાળીનો લાભ લાખો લોકોએ લીધો

મહારાષ્ટ્રમાં ગઈ 1 ઓગસ્ટથી પાંચ ઓગસ્ટ સુધીમાં 884 શિવભોજન કેન્દ્રો ખાતે પાંચ રૂપિયે પ્રતિ થાળી મુજબ 4,79,402 ગરીબ અને જરૂરિયાતમંદ લોકોએ શિવભોજન થાળીનો લાભ લીધો છે.

રાજ્યમાં એપ્રિલ મહિનામાં 24,99,257, મે મહિનામાં 33,84,040, જૂનમાં 30,96,232, જુલાઈમાં 30,03,474 લોકોએ શિવભોજન માણ્યું હતું. ઓગસ્ટમાં અત્યાર સુધીમાં 4,79,402 જણે શિવભોજન થાળી જમવાનો લાભ લીધો છે. 1 એપ્રિલથી પાંચ ઓગસ્ટ સુધીમાં કુલ 1,24,62,405 ગરીબ અને જરૂરિયાતમંદ લોકોએ શિવભોજનનો લાભ લીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]