મુંબઈઃ મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકારે રાજ્યમાં કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો રોકવા માટે લાગુ કરેલું લોકડાઉન 15 મે સુધી લંબાવ્યું છે. અગાઉ સરકારે 1 મે સુધી લોકડાઉન કરાવ્યું હતું, પરંતુ કોરોનાના કેસ હજી ચાલુ રહેતાં ‘બ્રેક ધ ચેન’ ઝુંબેશ અંતર્ગત રોગચાળાની સાંકળ તોડવા માટે લોકડાઉનને 15 મેની સવારે 7 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આરોગ્ય તંત્ર પર વધી ગયેલા બોજને હળવા કરવામાં લોકડાઉન મદદરૂપ થઈ રહ્યું છે, એવો પ્રધાનમંડળના સાથીઓ અને ટોચના અધિકારીઓના મંતવ્યો બાદ સરકારે લોકડાઉનને લંબાવવાનો નિર્ણય લીધો છે.
દરમિયાન, મુંબઈ મહાનગરપાલિકાએ જાહેરાત કરી છે કે કોરોના-પ્રતિરોધક રસીનો જથ્થો ખતમ થઈ ગયો હોવાને કારણે શહેરમાં રસીકરણની કામગીરીઓ આગામી ત્રણ દિવસ સુધી સ્થગિત રહેશે. હાલ શહેરમાં 45-વર્ષ કે તેથી વધુની વયનાં લોકોને રસી આપવામાં આવી રહી છે. 18-44 વર્ષનાં લોકોને 1 મેથી રસી આપવાનું નક્કી કરાયું છે, પરંતુ હવે તેને પણ મોકૂફ રાખવું પડશે. રસીકરણ કેન્દ્રોની બહાર ગિરદી ન કરવાની નાગરિકોને અપીલ કરવામાં આવી છે.