મુંબઈઃ કોંગ્રેસ પાર્ટી મુંબઈ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણી આવતા વર્ષના ફેબ્રુઆરીમાં નિર્ધારિત છે. કોંગ્રેસે અત્યારથી જ એ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે આ વખતની ચૂંટણી એકલે હાથે લડવા માગે છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સરકારમાં એ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાથે ભાગીદારીમાં છે, પરંતુ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી તે એકલે હાથે લડવા માગે છે.
મુંબઈના મેયર તરીકે કોંગ્રેસે ત્રણ નામ પસંદ કર્યા છે એવું પાર્ટીના લીક થઈ ગયેલા એક આંતરિક અહેવાલમાં જણાવાયું છે. આ અહેવાલનો મુસદ્દો મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (એમઆરસીસી)ની રણનીતિ સમિતિના સેક્રેટરી ગણેશકુમાર યાદવે તૈયાર કર્યો છે. એમાં જણાવાયું છે કે ચૂંટણી પહેલાં જ મેયર ઉમેદવારના નામની જાહેરાત કરી દેવી જોઈએ. એ ઉમેદવાર રાજકીય ક્ષેત્રના હોવા ન જોઈએ, પરંતુ જાહેરજીવન સાથે સંકળાયેલા હોવા જોઈએ, જેમનો શહેરના યુવાઓ તથા સમાજના અન્ય વર્ગોનાં લોકો પર પ્રભાવ હોય. આ અહેવાલ વોટ્સએપ ગ્રુપ્સ પર વાઈરલ થઈ ગયો છે. અહેવાલમાં ત્રણ નામ આપવામાં આવ્યા છે – ફિલ્મ અભિનેતા સોનૂ સૂદ, જે કોરોના-લોકડાઉન વખતે પ્રવાસી મજૂરો-કામદારો માટે મદદગાર બન્યો હતો, ફિલ્મ અભિનેતા રીતેશ દેશમુખ, જે કોંગ્રેસના સદ્દગત નેતા અને બે વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદે રહેલા વિલાસરાવ દેશમુખનો પુત્ર છે, તથા મિલિંદ સોમણ, જે રાષ્ટ્રીય સ્તરનો સ્વિમર, સુપરમોડેલ અને ફિટનેસપ્રેમી છે.