મલાડના માર્વે બીચના દરિયામાં ડૂબી ગયેલા ત્રણ છોકરાના મૃતદેહ મળ્યા

મુંબઈઃ આ વખતના ચોમાસાની મોસમમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યાની મુંબઈમાં અત્યાર સુધીમાં અનેક ઘટના બની છે. સેલ્ફી લેવાના મોહમાં એક મહિલા અરબી સમુદ્રમાં ખેંચાઈ ગયાની ઘટના બાદ ગઈ કાલે સવારે મલાડ (વેસ્ટ) ઉપનગરમાં માર્વે બીચના દરિયામાં ડૂબી જવાથી ત્રણ બાળકોનાં કરૂણ મરણ થયા છે. માર્વેના દરિયામાં પાંચ બાળકો નાહવા પડ્યા હતા, પરંતુ તેઓ ડૂબવા લાગતાં એમાંના બે જણને બચાવી લેવામાં અમુક સ્થાનિક લોકોને સફળતા મળી હતી, પણ ત્રણ જણ લાપતા થયા હતા. એ ત્રણ છોકરાના મૃતદેહ આજે મળી આવ્યા છે.

આ ત્રણ મૃતક છોકરાના નામ છેઃ નિખિલ સાજી કાયામપૂર, અજય જિતેન્દ્ર હરિજન અને શુભમ રાજકુમાર જયસ્વાલ (ત્રણેય 14 વર્ષની વયના).

છેલ્લા બે દિવસથી વરસાદનું જોર રહેતું હોવાથી દરિયો તોફાની રહે છે. લાપતા થયેલા ત્રણ બાળકોની મહાનગરપાલિકાના કર્મચારીઓ, પોલીસ જવાનો, નૌકાદળના જવાનો અને સ્થાનિક માછીમારોએ સાથે મળીને શોધ ચલાવી હતી. આજે એ ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટ-મોર્ટમ કાર્યવાહી માટે કાંદિવલીસ્થિત શતાબ્દી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.