મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અનેક નાગરિક સેવા-સુવિધાઓ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) વોટ્સએપ ચેટબોટ સેવાનો આજે અહીં શુભારંભ કરાવ્યો છે. આ ચેટબોટ 80થી પણ વધારે નાગરિક સેવાઓ માટે અંગ્રેજી અને મરાઠી ભાષાઓમાં ચોવીસે કલાક, આખું અઠવાડિયું ઉપલબ્ધ રહેશે. નાગરિકો 8999228999 નંબર પર ‘Hi’ મોકલીને એમના મોબાઈલ ફોન પર આ સેવા શરૂ કરી શકે છે.
આ નંબર પરથી નાગરિકોને માહિતીથી લઈને ફરિયાદ નિવારણ માટે સેવા ઉપલબ્ધ થશે. આ પ્રસંગે મુંબઈનાં મેયર કિશોરી પેડણેકર, મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે, બીએમસી કમિશનર ડો. ઈકબાલ સિંહ ચહલ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ઠાકરેએ કહ્યું કે, ‘આ ચેટબોટ મારફત વહીવટીતંત્રનો ઉદ્દેશ નાગરિકોને પાણીનું બિલ, હાઉસ રેન્ટ, વીજળી બિલ ચૂકવણી તથા અન્ય આવશ્યક મ્યુનિસિપલ સેવાઓ પૂરી પાડવાનો, માહિતી પૂરી પાડવાનો છે.’