મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમ (MSRTC ) – એસ.ટી. બસ કર્મચારીઓની હડતાળનો વિરોધ કરી રહેલા કેટલાક લોકોએ આજે સવારે રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન અનિલ પરબના અત્રેના સત્તાવાર નિવાસસ્થાન પર કાળો રંગ ફેંક્યો હતો. એ લોકો જનશક્તિ સંઘટનાનાં કાર્યકર્તાઓ હતા. એમણે પ્રધાનના નિવાસસ્થાનની બહાર હડતાળના સમર્થનમાં નારા લગાવ્યા હતા અને પછી પ્રવેશદ્વાર પાસે કાળો ડામર ફેંક્યો હતો. પોલીસે એમાંના ચાર-પાંચ જણને અટકમાં લીધા છે. મહારાષ્ટ્રમાં એસ.ટી. કર્મચારીઓની હડતાળનો આજે 16મો દિવસ છે.
MSRTCના હડતાળીયા કર્મચારીઓની માગણી છે કે નિગમનું રાજ્ય સરકાર સાથે વિલિનીકરણ કરવામાં આવે, પરંતુ સરકારે હજી સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. શિવસેનાના નેતા અને મુંબઈના વિધાનસભ્ય (વિધાન પરિષદ સભ્ય) અનિલ પરબ MSRTCના ચેરમેન પણ છે. એમની વિનંતી છતાં એસ.ટી. કર્મચારીઓ એમની હડતાળ પાછી ખેંચવા તૈયાર નથી.