ભાજપ-શિવસેનાની દોસ્તી યથાવત્: બંને પાર્ટી સાથે મળીને મહારાષ્ટ્રમાં આગામી ચૂંટણીઓ લડશે

મુંબઈ – ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચેની યુતિ યથાવત્ રહી છે. બંને પાર્ટી સાથે મળીને આગામી લોકસભા તથા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ લડશે એવી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે આજે અહીં સંયુક્ત પત્રકાર પરિષદમાં જાહેરાત કરતાં આ યુતિ તૂટી જશે અને બંને પાર્ટી બંને ચૂંટણી એકલે હાથે લડશે એવી અફવાઓનો અંત આવી ગયો છે.

વરલી વિસ્તારમાં આવેલી હોટેલ બ્લુ સી ખાતે યોજવામાં આવેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં ફડણવીસે કહ્યું, શિવસેના સાથે અમારે અમુક મુદ્દાઓ પર મતભેદ થયા છે. પરંતુ, સૈદ્ધાંતિક દ્રષ્ટિએ અમે એક છીએ. આ બંને પક્ષ વચ્ચે 25 વર્ષથી દોસ્તી છે. એમાં અમુક મતભેદો છે, પણ તે છતાં હિન્દુત્વ સહિતના મૂળ મુદ્દાઓ પર તેઓ એકત્રિત છે, એમ ફડણવીસે વધુમાં કહ્યું.

પત્રકાર પરિષદમાં ભાજપપ્રમુખ અમિત શાહ, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરે, તેમજ ભાજપ અને શિવસેનાનાં પ્રધાનો તથા અગ્રગણ્ય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ફડણવીસે કહ્યું હતું કે શિવસેના સાથે અમારે અમુક મુદ્દાઓ પર મતભેદ થયા હતા, પણ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ અમે સંગઠિત છીએ.

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી માટે શિવસેના 23 બેઠકો અને ભાજપ 25 બેઠકો પર ચૂંટણી લડશે. રાજ્યમાં લોકસભાની કુલ 48 બેઠકો છે.

2014માં, બંને પાર્ટીએ સાથે મળીને લોકસભાની 48 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 45 સીટ જીતી હતી.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી, જે આ વર્ષના અંતે અથવા આવતા વર્ષના આરંભે નિર્ધારિત છે, તેમાં આ બંને પક્ષે ફિફ્ટી-ફિફ્ટીની ફોર્મ્યૂલા પસંદ કરી છે.

અમિત શાહે કહ્યું કે મને વિશ્વાસ છે કે ભાજપ અને શિવસેના સાથે મળીને મહારાષ્ટ્રમાં 48માંથી 45 સીટ જીતશે.

બંને પાર્ટી વચ્ચેના સંબંધ છેલ્લા ચારેક વર્ષથી બગડ્યા હતા. એમાં કડવાશ આવી ગઈ હતી. ઉદ્ધવ ઠાકરેએ અનેક વાર વડા પ્રધાન મોદી, એમની સરકારની કામગીરીની જાહેરમાં ટીકા કરી હતી અને લોકસભા તથા વિધાનસભાની ચૂંટણી સ્વબળે લડવાની તૈયારી પણ બતાવી હતી.

અગાઉ, અમિત શાહ અને ફડણવીસ તથા મહારાષ્ટ્ર ભાજપના અન્ય ટોચના નેતાઓ સોફિટેલ હોટેલ ખાતે મળ્યા હતા. ત્યાં એમણે ઘણી વાર સુધી ચર્ચા કરી હતી અને ત્યાંથી અમિત શાહ અને ફડણવીસ બાન્દ્રા (ઈસ્ટ)માં ઉદ્ધવ ઠાકરેને એમના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે મળવા ગયા હતા. ત્યાં આ નેતાઓ સાથે લગભગ પોણો કલાક સુધી વાતચીત થઈ હતી અને ત્યારબાદ તેઓ સાથે મળીને એક જ કારમાં વરલી જવા રવાના થયા હતા. એમની સાથે આદિત્ય ઠાકરે પણ હતા.