મુંબઈઃ શિવસેના પાર્ટીના રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે આજે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કર્યો છે કે તે મુંબઈ શહેરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું ષડયંત્ર ઘડે છે. રાઉતે એમ પણ કહ્યું કે આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં એક રજૂઆત કરવામાં આવી છે. આ ષડયંત્રમાં ભાજપના મુંબઈના સંસદસભ્ય કિરીટ સોમૈયા તથા પક્ષના બીજા નેતાઓ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ સામેલ થયા છે.
રાઉતે કહ્યું કે, આ લોકોના જૂથે મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં રજૂઆત પણ કરી છે. આ હેતુ માટે મીટિંગો યોજાઈ રહી છે અને નાણાં એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ પ્રવૃત્તિ છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે અને હું આ વાત પૂરી જવાબદારી સાથે કહું છું. મારી પાસે એ સાબિત કરવા માટે પુરાવો પણ છે. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પણ આનાથી વાકેફ કરી દેવામાં આવ્યા છે. સોમૈયાની આગેવાની હેઠળનું આ જૂથ આગામી મહિનાઓમાં કોર્ટમાં જાય એવી ધારણા છે. તેઓ ત્યાં એમ કહેવાના છે કે મુંબઈમાં મરાઠી લોકોની વસ્તીની ટકાવારી ખૂબ ઘટી ગઈ છે તેથી શહેરને કેન્દ્ર સરકારના શાસન હેઠળ મૂકવા માટે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવું જોઈએ.