મુંબઈ – કેન્દ્રીય તેમજ 21 રાજ્યોમાં શાસન કરનાર ભારતીય જનતા પાર્ટી આવતા શુક્રવારે પોતાનો 38મો સ્થાપના દિવસ ઉજવશે. એ દિવસે પાર્ટી આવતા વર્ષે નિર્ધારિત લોકસભાની ચૂંટણી માટે તેના પ્રચારનો શુભારંભ કરશે.
શુક્રવારે યોજાનાર કાર્યક્રમમાં ભાજપપ્રમુખ અમિત શાહ, કેન્દ્રીય શિપિંગ પ્રધાન નીતિન ગડકરી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ રાવસાહેબ દાનવે-પાટીલ તથા પક્ષના અન્ય ટોચના નેતાઓ હાજર રહેશે અને પક્ષના કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
સંસદના બંને ગૃહના સભ્યોથી લઈને મહારાષ્ટ્ર રાજ્ય ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક, તામિલનાડુ સહિત અનેક રાજ્યોમાંથી 30 હજારથી વધુ કાર્યકર્તાઓ શુક્રવારના કાર્યક્રમમાં હાજર રહેશે.
શું એ જ દિવસથી ભાજપ પોતાનો આગામી સંસદીય ચૂંટણી માટેનો પ્રચાર શરૂ કરશે? એવા સવાલના જવાબમાં રાવસાહેબ દાનવે-પાટીલે કહ્યું કે, હા ચોક્કસ.
અમિત શાહ ગુરુવારે મુંબઈ આવી પહોંચશે અને પાર્ટીની કોર-કમિટીના નેતાઓને મળશે. શુક્રવારે સાંજે બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ ગ્રાઉન્ડ ખાતે પક્ષના કાર્યકરોની રેલીને સંબોધિત કરશે.