શિર્ડી (મહારાષ્ટ્ર): શ્રી સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટ શિર્ડીની યોજાઈ ગયેલી ત્રણ-સદસ્યની સમિતિની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રેના સાઈબાબા મંદિર પરિસરમાં ભક્તો તરફથી જે રક્ત દાન કરવામાં આવે છે તે હવે જરૂરિયાતમંદ નાગરિકોને મફતમાં આપવામાં આવશે. આ નિર્ણય શિર્ડીની બહાર રહીને રક્ત એકત્ર કરતી બ્લડ બેન્કોને પણ લાગુ પડશે. એમણે પણ દર્દીઓને આ રક્ત મફતમાં આપવાનું રહેશે.
શિર્ડી દેવસ્થાન ખાતે તેમજ શિર્ડીમાં અવારનવાર યોજાતી રક્તદાન શિબિરમાં અનેક દાતાઓ રક્તનું દાન કરતાં હોય છે. હવે એ રક્ત જરૂરિયાતમંદ લોકોને મફતમાં આપવામાં આવશે. મંદિર સંસ્થાન સંબંધિત દર્દીઓનો સંપર્ક કરશે અને સમર્થન મેળવશે. રક્તની થેલીઓ પર સંસ્થાનનું ટેગ મૂકાશે અને લખાણ મૂકાશે કે ‘આ રક્ત વેચાણ માટે નથી.’