મુંબઈઃ કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉન લાગુ કરાયું છે ત્યારથી બંધ થયેલા હેર કટિંગ સલૂન્સ, બ્યુટી પાર્લર્સ હવે ટૂંક સમયમાં જ ફરી શરૂ થશે.
હેર કટિંગ સલૂન્સ અને બ્યુટી પાર્લર્સના માલિકોએ સરકારને અપીલ કરી છે કે લોકડાઉનને લીધે વાળંદ સમાજમાં બેરોજગારીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. આ સંદર્ભમાં એમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા પણ કરી છે.
રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ હેર કટિંગ સલૂન્સ અને બ્યુટી પાર્લર્સને ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેવાની છે, એમ રાજ્યના ઓબીસી કલ્યાણ, ભૂકંપ, મદદ અને પુનર્વસન ખાતાના પ્રધાન વિજય વડેટ્ટીવારે જણાવ્યું છે.
પત્રકાર પરિષદમાં, વડેવટ્ટીવારે કહ્યું કે બેરોજગારીની સમસ્યાનો અંત લાવવા માટે રાજ્યભરમાં હેર કટિંગ સલૂન્સ અને બ્યુટી પાર્લર્સ ફરી શરૂ કરવા સરકાર વિચારી રહી છે. સરકાર આવતા અઠવાડિયે જ આ વિશે નિર્ણય લેશે. પરંતુ, સલૂન શરૂ કર્યા બાદ સામાજિક અંતર તથા આરોગ્યને લગતા અન્ય નિયમોનું કડક રીતે પાલન કરવાનું રહેશે.