મુંબઈઃ અત્રેની કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત કે.ઈ.એસ. શ્રોફ કોલેજમાં મેનેજમેન્ટ સ્ટડી વિભાગે તાજેતરમાં “અટલ ઈન્ક્યુબેશન સેન્ટર – રામતાઉ મ્હાલગી પ્રબોધિની” સંલગ્ન એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આજના આ પ્રગતિશીલ યુગમાં વેપાર ક્ષેત્રે નવા નવા પ્રવેશતા ઉદ્યોગવીરો અને યુવકોને સાચું જ્ઞાન અને પ્રોત્સાહન મળે તે દ્રષ્ટિએ આ સેમિનાર આયોજિત કરાયો હતો.
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી અને મહારાષ્ટ્રના ગ્રામ્ય વસાહતીકરણ વિભાગના પ્રમુખ ઉજ્જવલ ઉકે પ્રમુખ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શ્રીનાથ શ્રીધરન મુખ્ય વક્તા હતા. આ ત્રિદિવસીય સેમિનારમાં પેપર પ્રેઝન્ટેશન પણ સમાવિષ્ટ કરાયું હતું.
અતિથિ વિશેષે બિઝનેસ ક્ષેત્રે નવા-નવા પ્રવેશતા યુવાનોને વિવિધ શક્યતાઓ વિષેની જાણકારી આપી હતી. પેપર પ્રેઝન્ટ કરવા માટે લગભગ 480 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ વિભાગમાં વિન્ડ પ્લસ પ્રાઇવેટ લિમિટેડનાં ડાયરેક્ટર માનસી ઠક્કર, યુવા નેતા અને વિચારક અપૂર્વ ગંગર તેમજ પ્રમુખ એચ.આર. ઓફિસર સંજીવ બહેરી હતા. નીક્કી વાન ડેનબર્ગ દુબઈથી ઓનલાઇન જોડાયા હતા, જેમાં તેમણે બિઝનેસ સફળતા વિષે સૂચનો આપ્યા હતા.
“વેપાર અને વાણિજ્યના વિકાસ” પર નમન જૈન તેમજ મીતાક્ષરા સીરગાંવકરના વક્તવ્યએ નવો ઉત્સાહ પૂરો પાડ્યો હતો. સંસ્થાના સંચાલકોએ આધુનિક યુગમાં વિદેશ સુધી વિદ્યાર્થી વ્યાપક બની જ્ઞાન પ્રાપ્તિ કરે તે માટે ખૂબ ઉત્સાહ સીંચ્યો હતો. કેઈએસ સંસ્થાના ટ્રસ્ટીગણમાંથી રજનીકાંત ઘેલાણી, સંસ્થાના વાઈસ પ્રિન્સિપાલ વી.એસ. કન્નન અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.