સિવિક એન્જિનીયર પર હુમલાના કેસમાં શિવસેના (યૂબીટી)ના 4 કાર્યકર્તાની ધરપકડ

મુંબઈઃ એક સિવિક એન્જિનીયર પર હુમલો કરવાના સંબંધમાં મુંબઈ પોલીસે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી શિવસેના (યૂબીટી)ના ચાર કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. તેમના નામ છેઃ સંતોષ કદમ, સદા પરબ, ઉદય દળવી અને હાજી અલીમ ખાન. પોલીસે ચારેયને ગઈ કાલે સ્થાનિક કોર્ટમાં હાજર કર્યા હતા અને મેજિસ્ટ્રેટે તેમને અદાલતી કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો હતો. પોલીસ એફઆઈઆરમાં આરોપી તરીકે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન અનિલ પરબનું પણ નામ છે, પરંતુ એમની ધરપકડ કરવામાં આવી નથી.

બાન્દ્રા (પૂર્વ) ઉપનગરમાં ગયા અઠવાડિયે શિવસેના (યૂબીટી)ની એક શાખાને તોડી પાડવામાં આવી હતી. તેના વિરોધમાં અનિલ પરબ તથા શિવસેના (યૂબીટી)ના અન્ય કાર્યકર્તાઓ ગયા સોમવારે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ના એચ-પૂર્વ વોર્ડની ઓફિસ ખાતે મોરચો લઈ ગયા હતા. તે દરમિયાન બીએમસી એન્જિનીયર અજય પાટીલ (42) પર હુમલો કરવામાં આવ્યો હતો અને એમને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપવામાં આવી હતી. આને પગલે અનિલ પરબ તથા અન્યો સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.