મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિની આગાહી; મુંબઈ સહિતના જિલ્લાઓ માટે 48 કલાક અત્યંત મહત્ત્વનાં

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં ગયા શનિવારથી વરસાદની શરૂઆત થઈ છે. નૈઋત્યના ચોમાસાએ દેશના લગભગ તમામ રાજ્યોને આવરી લીધાં છે. હવે આગામી બે દિવસ માટે મુંબઈ, આસપાસના જિલ્લાઓ, મધ્ય મહારાષ્ટ્ર અને કોકણ વિસ્તાર માટે ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ ઘોષિત કર્યું છે. મુંબઈમાં ગઈ આખી રાત વરસાદના ઝાપટાં ચાલુ રહ્યા હતા અને આ લખાય છે ત્યારે, સવારે 9 વાગ્યે પણ ધોધમાર વરસાદ ચાલુ હતો.

મુંબઈ, પાલઘર, થાણે અને નાશિક જિલ્લાઓ માટે આજના દિવસ માટે અને પાલઘર, રાયગડ માટે બુધવારે પણ ઓરેન્જ એલર્ટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાનું છે. આગામી 48 કલાકમાં મુસળધાર વરસાદ પડવાની સંભાવના છે. બંગાળના અખાતમાં હવાની નવી સર્જાયેલી સ્થિતિને કારણે મોસમી વરસાદનું જોર વધ્યું છે અને તે આગામી બે દિવસ ઓર વધશે.