26 વર્ષનો ટીવી એક્ટર અક્ષત ઉત્કર્ષ મુંબઈના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો

મુંબઈઃ ઉભરતા ટીવી સિરિયલ અભિનેતા અક્ષત ઉત્કર્ષે અહીંના અંધેરી ઉપનગરમાં એના ઘરમાં કથિતપણે આત્મહત્યા કરી છે. એ 26 વર્ષનો હતો.

અહેવાલ અનુસાર અક્ષતે ગયા રવિવારે અંધેરી વેસ્ટના ગોકુલ બિલ્ડિંગમાં એના ઘરમાં આખરી શ્વાસ લીધો હતો. એ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સિકંદરપુર ગામનો વતની હતો. એ સ્નેહા ચૌહાણ નામની કોઈક છોકરી સાથે લિવ-ઈન-રિલેશનશિપમાં હોવાનું કહેવાય છે.

અક્ષતના પરિવારજનોનો આરોપ છે કે અક્ષતની હત્યા કરવામાં આવી છે.

પોલીસે આ કેસમાં તપાસ આદરી છે.

પોલીસે પોસ્ટ-મોર્ટમમ કરીને અક્ષતનો મૃતદેહ આજે સવારે પટના એરપોર્ટ પર પહોંચ્યો હતો જ્યાં એના પરિવારજનોએ એ સ્વીકાર્યો હતો.

અક્ષતના કાકા રણજીત સિંહનો આરોપ છે કે અક્ષતની હત્યા કરવામાં આવી છે. 27 સપ્ટેમ્બરના રવિવારે રાતે 9 વાગ્યે અક્ષતે એના પિતા વિજયકાંત સાથે ફોન પર વાતચીત કરી હતી. પણ ત્યારબાદ અચાનક મોડી રાતે એમને પુત્રના મૃત્યુના સમાચાર જાણવા મળ્યા હતા. સ્નેહા ચૌહાણે જ અક્ષતના મૃત્યુના સમાચાર આપ્યા હોવાનો અહેવાલ છે.

અક્ષતના કાકાનો એવો પણ આરોપ છે કે મુંબઈ પોલીસે આ બાબતમાં સહકાર આપ્યો નહોતો. અંબોલી (અંધેરી) પોલીસ સ્ટેશને આકસ્મિક મરણનો કેસ નોંધ્યો હતો. અક્ષતના પરિવારે હવે બિહાર પોલીસ પાસે મદદ માગી છે. પોલીસે અક્ષતના મૃત્યુ વિશે એફઆઈઆર ફાઈલ કર્યો નહોતો.

ઉલ્લેખનીય છે કે, ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રામાં બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત એના ઘરમાં ભેદી સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસમાં કહ્યું હતું કે સુશાંતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી, પણ એના પરિવારજનોએ વિસ્તૃત તપાસની માગણી કરતાં આ કેસમાં સીબીઆઈ તપાસ કરે છે. સુશાંત પણ બિહારના પટનાનો વતની હતો.

અક્ષત અભિનય જગતમાં નસીબ અજમાવવા માટે મુંબઈ આવ્યો હતો. એ તેના માતા-પિતાનો એકમાત્ર સંતાન હતો. લખનઉની યુનિવર્સિટીમાંથી એમબીએ થયા બાદ એ 2018ના ઓગસ્ટમાં મુંબઈ આવ્યો હતો.