મુંબઈઃ અહીંના મલાડ (વેસ્ટ) ઉપનગરમાં અરબી સમુદ્ર કાંઠા નજીક આવેલા મઢ ટાપુ વિસ્તારમાં ‘રામ સેતૂ’ અને ‘આદિપુરુષ’ ફિલ્મોનું જ્યાં શૂટિંગ કરવામાં આવ્યું હતું તેને મુંબઈ મહાનગરપાલિકાએ આજે તોડી પાડ્યો છે. આ ફિલ્મ સ્ટુડિયો ગેરકાયદેસર હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય હરિત લવાદે મુંબઈ મહાપાલિકાને આ સ્ટુડિયો પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
કહેવાય છે કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાનો આદિત્ય ઠાકરે અને અસલમ શેખના આશીર્વાદથી તે ફિલ્મ સ્ટુડિયો બાંધવામાં આવ્યો હતો. ભાજપના આક્રમકમિજાજી નેતા કિરીટ સોમૈયાએ એવો આક્ષેપ કર્યો હતો કે મઢ વિસ્તારમાં અડધો ડઝન જેટલા ગેરકાયદેસર ફિલ્મ સ્ટુડિયો છે. આ સ્ટુડિયોના નિર્માણથી સીઆરઝેડ (કોસ્ટલ રેગ્યૂલેશન ઝોન) નિયમોનું ઉલ્લંઘન થયું છે. આ મામલો રાષ્ટ્રીય હરિત લવાદ સમક્ષ રજૂ કરાયો હતો અને લવાદે આ સ્ટુડિયો સામે કાર્યવાહી કરવાનો મહાપાલિકાને આદેશ આપ્યો હતો. આજે તેનો અમલ કરીને તે સ્ટુડિયોને તોડી પાડવામાં આવ્યો. હવે આવા અન્ય સ્ટુડિયો પણ જમીનદોસ્ત કરાશે.