મુંબઈ એરપોર્ટના બંને રનવે બીજી મેએ કામચલાઉ બંધ રખાશે

મુંબઈઃ અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના સત્તાવાળાઓએ જાહેરાત કરી છે કે આવતી બીજી મેએ એરપોર્ટના બંને રનવે છ કલાક માટે કામચલાઉ બંધ રાખવામાં આવશે. ચોમાસા પૂર્વે સારસંભાળનું કામ હાથ ધરવાનું હોવાથી બંને રનવે પર વિમાન સેવા બંધ રખાશે.

જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે એરપોર્ટના બંને રનવે બીજી મેના મંગળવારે સવારે 11 વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. તે સમયગાળા દરમિયાન ચોમાસા પૂર્વે જાળવણીની તાકીદની યોજના અંતર્ગત કામકાજ હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી તમામ એરલાઈન્સ અને એવિએશન સત્તાવાળાઓ સાથે સહયોગમાં હાથ ધરવામાં આવશે. મુંબઈ એરપોર્ટના સત્તાવાળાઓએ આની જાણ છ મહિના પહેલાં જ સંબંધિત લોકોને કરી દીધી હતી. તમામ વિમાનસેવાઓ બીજી મેએ સાંજે પાંચ વાગ્યા બાદ રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવશે.