અમૃતા ફડણવીસનાં સ્વરવાળા નવા ગીતના 99 લાખ વ્યૂઝ

મુંબઈ : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા સારા ગાયિકા છે. વર્તમાન શાસક અને ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ મિત્ર પક્ષ શિવસેના સાથે અમૃતાનું ટ્વિટર-યુદ્ધ જાણીતું છે. પરંતુ અમૃતા ફડણવીસ એમની ‘હટકે’ ગાયનશૈલી માટે પણ લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહ્યાં છે.

અમૃતા ફડણવીસે આ ગીતના માધ્યમ દ્વારા એસિડ હુમલાનો શિકાર બનેલી સ્ત્રીઓના સંઘર્ષને દર્શાવ્યો છે. આ ગીત એસિડ હુમલાનો ભોગ બનેલી સ્ત્રીઓને પ્રોત્સાહન આપવા માટે જ ખાસ બનાવવામાં આવ્યું છે.

ગઈ 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એમણે પોતાનાં સ્વરમાં ગાયેલું એક નવું ગીત રિલીઝ કર્યું હતું, જેના શબ્દો આ પ્રમાણે છેઃ

‘અલગ મેરા યે રંગ હૈ

મેરી ખુદ સે હી જંગ હૈ

જીત જાઉં ઐ ખુદા

અગર તૂ મેરે સંગ હૈ.’

ગીત રિલીઝ કર્યાના બે દિવસમાં આ ગીતને સોશિયલ મિડિયા પર જોરદાર પ્રતિસાદ મળ્યો છે.

વિડિયો સોન્ગ અભિનેત્રી ડોનલ બિશ્ટ પર ફિલ્માવવામાં આવ્યું છે.

ગીતને 99 લાખથી પણ વધારે વ્યૂઝ મળ્યા છે, અને હજારો નેટયુઝર્સે કમેન્ટ્સ કરીને પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

ટ્વિટર સેન્સેશન બની ગયેલાં અમૃતા ફડણવીસે ભૂતકાળમાં અનેક કાર્યક્રમોમાં તેમજ મ્યુઝિક આલ્બમમાં ગીતો ગાયાં છે.

એમણે બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચનની સાથે પણ એક આલ્બમ રેકોર્ડ કરાવ્યું હતું.

અમૃતાનો એક ડાન્સ વિડિયો પણ વાયરલ થયો હતો. એક ઘરેલુ લગ્ન સમારંભ વખતે એમણે ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મના ‘મૈં દીવાની, મૈં મસ્તાની’ ગીત પર ડાન્સ કર્યો હતો.

(જુઓ અને સાંભળો, અમૃતા ફડણવીસનું નવું ગીત)